સુરત : તા.28 મે 2022, શનિવાર : રાજયની અત્યંત આધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલમાં રાજયના જેલ જડતી સ્કવોર્ડ દ્વારા દરોડા પાડી ડ્યુલ સીમકાર્ડ વાળો મોબાઇલ ફોન કબ્જે લઇ સચિન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.લાજપોર મધ્યસ્થ જેલ ભલે આધુનિક ગણાતી હોય પરંતુ જેલ કર્મચારીઓની સાંઠગાંઢમાં કેદીઓ બિન્દાસ્તપણે પ્રતિબંધીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે.રાજયના જેલ વિભાગની વિજીલન્સ સ્કવોર્ડ દ્વારા શુક્રવારે લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યુ હતું.જે અંતર્ગત જેલની યાર્ડ નં.બી/9 અને સી/1111 ની વચ્ચેના ભાગે આવેલી ગટરની કુંડીઓમાંની યાર્ડ નં.બી/9 તરફથી પ્રથમ ગટરની કુંડી પાસેથી કેચાડા કંપનીનો સીમકાર્ડ વગરનો મોબાઇલ ફોન મળી આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે જે અગાઉ પણ જેલમાંથી પ્રતિબંધિત એવો મોબાઇલ ફોન મળી આવ્યા છે.જેલ કર્મચારીઓની સાંઠગાંઠમાં પ્રતિબંધિત મોબાઇલ ઉપયોગ કરનાર કેદીઓ દ્વારા ખાસ કરીને યાર્ડમાં કોમન-સંડાશ બાથરૂમની બારી કે પછી ગટરની કુંડી અથવા તો ડ્રેનજ પાઇપની પાછળ મોબાઇલ છુપાવીને રાખવામાં આવે છે.સ્કવોર્ડ દ્વારા સચિન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.