કિવ : 27 મે,2022,શુક્રવાર : રશિયા અને યુક્રેન પરથી ભલે દુનિયાનું ધ્યાન હટી ગયું હોય પરંતુ હુમલાઓ હજુ યથાવત જ છે.ગત 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરીને પાટનગર કિવ પર કબ્જો મેળવવાની રણનીતિ અજમાવી હતી પરંતુ તેમાં સફળતા ન મળતા તે હવે ડોનબાસ પર ધ્યાન કેન્દ્રીત કરી રહયું છે.રશિયાના નાના મોટા અનેક ટાઉન પર રશિયા હુમલાકરી રહયું છે ત્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમેર ઝેલેસ્કીએ પશ્ચિમી દેશોની ઝાટકણી કાઢી છે.ખાસ કરીને રશિયા પર ઓઇલ સહિતના આર્થિક પ્રતિબંધો મુકવા બાબતે ગોકળગાયની ઝડપે કાર્યવાહી થઇ રહી હોવા બાબતે નારાજગી પ્રગટ કરી હતી.જેલેસ્કીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે હજારો રશિયન સૈનિકો યુક્રેનના બે પૂર્વી શહેરો સિવિએરોડોનેટસ્ક અને લિસિચન્સિક ઘેરો ઘાલી રહયા છે.બીજી બાજુ યૂરોપિયન યુનિયનના દેશો રશિયા પર આર્થિક પ્રતિબંધોની દિશામાં કાચબા ઝડપે આગળ વધી રહયું છે.યુક્રેનની સ્વતંત્રતા અને આઝાદીને ઉની આંચ પણ નહી આવે પરંતુ યુક્રેને તેની કિંમત કેટલી ચુકવવી પડશે એ સૌથી મહત્વનું છે.ઝેલેસ્કીએ ઉમેર્યુ કે જેવું યુધ્ધ બાબતે યુક્રેન મહેસુસ કરી રહયું છે એવું દુનિયા પણ જો અનુભવે તો વિનાશકારી યુદ્ધને રોકી શકાય તેમ છે.દુનિયાએ રશિયા સાથે ગેમ ખેલવાના સ્થાને યુધ્ધ સમાપ્ત કરવા દબાણ કરવાની જરુર છે.