પંજાબ : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની નજર હવે હરિયાણા પર છે. વર્ષ 2024માં હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અભિયાનનો આરંભ કરતા અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે,ત્રેતાયુગમાં રામજીએ રાવણનો ઘમંડ તોડ્યો,દ્વાપર યુગમાં કૃષ્ણજીએ કંસનો ઘમંડ તોડ્યો અને કળયુગમાં ખેડૂતોએ ભાજપીઓનો ઘમંડ તોડ્યો છે.કેન્દ્રની મોદી સરકાર અને પ્રદેશની મનોહરલાલ ખટ્ટર સરકાર પર હુમલો કરતા કેજરીવાલે કહ્યું કે જે લોકો ઈચ્છે છે કે પોતાના બાળકો ગુંડા,હુલ્લડ કરનાર અને બળાત્કારી બને,તો તેમણે પોતાના બાળકો ભાજપ પાસે મોકલવા જોઈએ.હરિયાણાના કુરુક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારે સરકારી સ્કૂલોને બદલી દીધી છે.સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ હવે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થી સમાન પ્રદર્શન કરી રહ્યા છે.
આ વર્ષે દિલ્હી સરકારની સ્કૂલોમાં ભણવા માટે 4 લાખ વિદ્યાર્થીઓએ ખાનગી સ્કૂલો છોડી દીધી છે.દિલ્હી સરકારની સ્કૂલોના 400 વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી અને પ્રતિષ્ઠિત કોલેજોમાં પ્રવેશ મેળવ્યો છે.આ સાથે કેજરીવાલે કહ્યું કે,હું એક સાધારણ આદમી છું,હું રાજકારણ જાણતો નથી.મેં દિલ્હી સરકારની સ્કૂલોમાં પરિવર્તન લાવ્યું છે.અમેરિકાના પૂર્વ પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાત લેવા આવ્યા હતા.