સુરત : તા.30 મે 2022,સોમવાર : હજીરાની ઓએનજીસી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા યુવાન સહિત પાંચ જણાને દુબઇ અને યુક્રેનના સ્ટુડન્ટ વિઝા અપાવવાની લાલચ આપી રૂ.26.41 લાખ પડાવી લેનાર ડુમ્મસ રોડના લક્ઝુરીયા બિઝનેશ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલના ત્રણ પૈકી બે ભાગીદારની ઉમરા પોલીસે ધરપકડ કરી છે.વેસુ સ્થિત રાહુલરાજ મોલની પાછળ સુમન મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા અને હજીરાની ઓએનજીસી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરતા મુકેશ દલપત પરમાર(ઉ.વ.26)એ ઇન્સ્ટાગ્રામ પર વર્ક પરમીટ અને વિઝાની જાહેરાત વાંચી ડુમ્મસ રોડના લક્ઝુરીયા બિઝનેશ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલ નામે ઓફિસ ધરાવતા ધાર્મિક માધવાણી,રાજેન્દ્ર તળસરીયા અને હેમલ પાંડવનો સંર્પક કર્યો હતો.ત્રણેયે મુકેશને દુબઇના વર્ક પરમીટ વિઝા અપાવવાનું કહી રૂ.1.83 લાખ લઇ લીધા હતા.
પરંતુ નિયત સમયમાં વર્ક પરમીટ વિઝાને બદલે માત્ર એક મહિનાના ટુરીસ્ટ વિઝા અપાવ્યા હતા.જેથી મુકેશે રૂ.1.83 લાખની માંગણી કરતા ત્રણેય જણાએ ધાક-ધમકી આપી હતી અને રાતોરાત ઓફિસને તાળા મારી રફુચક્કર થઇ ગયા.બીજી તરફ એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદારોએ માત્ર મુકેશને જ નહીં પરંતુ અન્ય ચાર જણાને પણ વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને કુલ રૂ.26.41 લાખ પડાવી લીધા હતા.જો કે ઉમરા પોલીસે ઠગ ટોળકી વિરૂધ્ધ ગુનો નોંધી રાજેન્દ્ર રવજી તળસરીયા(રહે.એ 904,સર્જન પેલેસ,ભરીમાતા રોડ,સિંગણપોર)અને હેમલ હિપેશ પાંડવ(ઉ.વ.117,118,માધવાનંદ સોસાયટી,ધનમોરા સર્કલની બાજુમાં,કતારગામ)ની ધરપકડ કરી છે.જયારે ધાર્મિક માધવાણીની શોધખોળ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ઠગ ટોળકીએ અગાઉ પણ વર્ક પરમીટ વિઝાના નામે ઠગાઇ કરી હતી.