મુંબઇ : થાણેની આર્થિક ગુના શાખાએ રોકાણકારો સાથે ૧ કરોડ ૮૨ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર પુણેથી એક મહિલાની ધરપકડ કરી છે.ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાને બહાને આરોપી મહિલા અને તેના પતિએ ૨૯ જણ સાથે છેતરપિંડી કરી હતી.આ મામલામાં પોલીસે આરોપીના પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર જગદીશ પન્હાળેએ જણાવ્યું હતું કે પુણેના દેહુ રોડથી ૫૩ વર્ષીય શ્રદ્ધા શ્રીકાંત પાલાંડેની ધરપકડ કરવામાં આવી છે.થાણેના કાસારવડવલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને અન્ય કલમ હેઠળ શ્રદ્ધા અને તેના પતિ શ્રીકાંત સામે કેસ દાખલ હતો.આ ચાલબાઝ પતિ,પત્ની આઠ મહિનાથી ફરાર હતા.ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવાના અને ઉચ્ચ વળતર આપવાના તેમણે લોકોને સ્વપ્ન દાખવ્યા હતા.તેમની વાત પર વિશ્વાસ કરીને ૨૯ જણે અંદાજે ૧ કરોડ ૮૨ રૂપિયાનું રોકાણ કર્યું હતું.પણ આરોપી દંપતીએ તેમને રોકાણ કરાયેલા પૈસા કે નફો આપ્યો નહોતો છેવટે આ બાબતની પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે છટકું ગોઠવીને પુણેમાં શ્રદ્ધાને ઝડપી લીધી હતી.જો કે તેનો પતિ હજી સુધી પકડાયો નથી.કોટેમાં શ્રદ્ધાને ૩૧મે સુધી કસ્ટડીમાં રાખવાનો પોલીસ આદેશ આપ્યો હતો.