દેશમાં ૯૪ ટકા શ્રમિકોની કમાણી ૧૦ હજાર રૂપિયાથી ઓછી : ઈ-શ્રમ પોર્ટલ

120

નવી દિલ્હી : તા.૨૯ : દેશમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ૨૭.૬૯ કરોડ શ્રમિકોમાંથી ૯૪ ટકાની માસિક કમાણી રૂ.૧૦,૦૦૦થી ઓછી છે.ઈ-શ્રમ પોર્ટલના તાજા આંકડા પરથી જાણવા મળે છે કે દેશમાં અમીરો-ગરીબોની અસમાનતામાં વધારો થયો છે.પોર્ટલ પર નોંધાયેલા ૭૪ ટકા શ્રમિકો એસસી, એસટી અને અન્ય પછાત વર્ગોમાંથી આવે છે. નવેમ્બર ૨૦૨૧માં માસિક રૂ.૧૦,૦૦૦થી ઓછી આવકવાળા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સંખ્યા ૯૨.૩૭ ટકા હતી.તે સમયે પોર્ટલ પર આઠ કરોડથી વધુ શ્રમિકોએ નોંધણી કરાવી હતી.તે સમયે પોર્ટલ પર નોંધણી કરાવનારા એસસી,એસટી અને ઓબીસી વર્ગના શ્રમિકોની સંખ્યા ૭૨.૫૮ ટકા હતી.તાજા આંકડા મુજબ ઈ-શ્રમ પોર્ટલ પર કુલ ૨૭.૬૯ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે.આંકડા પરથી જાણવા મળે છે કે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો કારમી ગરીબીમાં જીવન જીવી રહ્યા છે.તેમાં મોટાભાગના શ્રમિકો સમાજના પછાત વર્ગમાંથી આવે છે.પોર્ટલ પર નોંધણી કરાવેલા ૯૪.૧૧ ટકા શ્રમિકોની માસિક કમાણી રૂ.૧૦,૦૦૦થી ઓછી છે જ્યારે ૪.૩૬ ટકા શ્રમિકોની કમાણી રૂ.૧૦,૦૦૦થી રૂ.૧૫,૦૦૦ વચ્ચે છે.પોર્ટલ પર નોંધણી કરાવનારા ૭૪.૪૪ ટકા શ્રમિકો સમાજના પછાત વર્ગમાંથી આવે છે,તેમાં ૪૫.૩૨ ટકા ઓબીસી,૨૦.૯૫ ટકા એસસી અને ૮.૧૭ ટકા એસટી વર્ગના છે. સામાન્ય વર્ગના શ્રમિકોની સંખ્યા ૨૫.૫૬ ટકા છે.

પોર્ટલના આંકડા મુજબ ઉંમરની દ્રષ્ટિએ ૬૧.૭૨ ટકા શ્રમિકોની વય ૧૮થી ૪૦ વર્ષ અને ૨૨.૧૨ ટકાની વય ૪૦થી ૫૦ વર્ષ છે.પોર્ટલ પર નોંધણી કરાનારા૧૩.૨૩ટકા શ્રમિકોની વય ૫૦ વર્ષથી વધુ છે અને૨.૯૩ટકાની વય ૧૬થી ૧૮વર્ષ છે.પોર્ટલ પર નોંધણી કરાવનાર ૫૨.૮૧ ટકા શ્રમિકો મહિલા છે જ્યારે ૪૭.૧૯ ટકા પુરુષો છે.નોંધણીની બાબતમાં ટોચના પાંચ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ,બિહાર,પશ્ચિમ બંગાળ,મધ્ય પ્રદેશ અને ઓડિશા છે.નિષ્ણાતોનું માનવું છે કે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી વધવાની સાથે ધ્યાનમાં આવે છે કે સમાજમાં અસમાનતાનું પ્રમાણ પણ વધ્યું છે.આ પોર્ટલ પર અસંગઠિત ક્ષેત્રના બધા જ શ્રમિકોની નોંધણીનું સરકારનું લક્ષ્ય છે.દેશમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોની સંખ્યા અંદાજે ૩૮ કરોડ જેટલી છે.ઈ-શ્રમ પોર્ટલનો આશય દેશમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો વ્યાપક ડેટાબેઝ તૈયાર કરવાનો છે.

કોરોનાકાળમાં પહેલા લોકડાઉન સમયે દેશભરમાં અસંગઠિત ક્ષેત્રમાં વ્યાપક સંખ્યામાં શ્રમિકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.આવા સમયે ઓગસ્ટ ૨૦૨૧માં સરકારે ઈ-શ્રમ પોર્ટલની શરૂઆત કરી હતી,જ્યાં દરેક ક્ષેત્રના અસંગઠિત શ્રમિકો નોંધણી કરાવી શકે છે.સરકારનો આશય આ પોર્ટલ મારફત દેશના બધા જ શ્રમિકોને કલ્યાણકારી યોજનાઓનો લાભ પૂરો પાડવાનો છે.નિષ્ણાતોનું કહેવું છે કે અસંગઠિત ક્ષેત્રના બધા જ શ્રમિકોની નોંધણી ચાલુ કેલેન્ડર વર્ષમાં પૂરી થઈ જશે.તેનાથી રાજકીય નેતૃત્વને સમાજના વંચિત વર્ગ માટે પ્રમાણ આધારિત નીતિ બનાવવામાં મદદ મળશે.

Share Now