મુંબઇ : ૧૯૯૩માં મુંબઇમાં થયેલ શ્રેણીબદ્ધ બોમ્બ-ધડાકાના ચાર આરોપીને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.સુનાવણી બાદ આ ચારેય આરોપીને ૧૪ દિવસની અદાલતી કસ્ટડી ફટકારવામાં આવી હતી.મુંબઇમાં ૧૯૯૩માં થયેલ શ્રેણીબદ્ધ બોમ્બધડાકા પ્રકરણે આ ચારેય આરોપી છેલ્લા ૨૯ વર્ષથી વોન્ટેડ હતા.ગુજરાત એટીએસ અને સીબીઆઇ તરફથી આ ચારેય આરોપીની શોધ ચાલતી હતી.આરોપી અબુબકર,સૈય્યદ કુરેશી,યુસુફ ભટકા અને શોએબ કુરેશીની અમદાવાદના સરદાર નગર વિસ્તારમાંથી એટીએસએ ૧૨મેની સાંજે ધરપકડ કરી હતી.આ તમામ પાસેથી બનાવટી પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.મુંબઇના ધડાકા થયા તે પહેલા આ ચારેય કથિત રીતે પાકિસ્તાન ગયા હતા અને ત્યાં શસ્ત્રોની તાલિમ મેળવી હતી.ત્યારબાદ મુંબઇમાં ધડાકા થયા બાદ ભારત છોડી ગયા હતા.એંસીના દાયકામાં આ લોકો મુંબઈમાં સસ્કર મોહમ્મદ ડોસાની ગેન્ગ માટે કામ કરતા હતા ત્યારબાદ દાઉદના સંપર્કમાં આવ્યા અને તેના કહેવાથી પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશી શસ્ત્રોની તાલીમ સાથે બોમ્બ ધડાકા કેમ કરવા તેની પણ તાલીમ લીધી હતી.પોલીસે હવે પોતાને શોધવાનું બંધ કરી દીધું હશે તેવું તેઓ માનતા હતા.જો કે ગુપ્ત માહિતીને આધારે એટીએસએ ચારેયને પકડી લીધા હતા.આ લોકો સામે રેડકોર્નર નોટીસ પણ જારી કરવામાં આવી હતી.આ ચારેય દાઉદના સંપર્કમાં હોવાથી તેમની ધરપકડ અત્યંત મહત્વની મનાય છે.