મહારાષ્ટ્રનાં કિલ્લા પોલિટિક્સે, ફૂટબોલ દ્વારા સમાજ પરિવર્તનની ફિલ્મોએ જમાવ્યો રંગ

234

મુંબઈ : મુંબઈમાં દર બે વર્ષે યોજાતા ડોક્યુમેન્ટરી,શોર્ટ ફિક્શન અનેે એનિમેશન ફિલ્મોત્સવની સત્તરમી આવૃત્તિના પ્રથમ દિવસે ફિલ્મ રસિયાઓ ધાર્યા કરતાં વધારે પ્રમાણમાં ઉમટી પડયા હતા.મોટી સંખ્યામાં ઉમટી પડેલા ફિલ્મના શોખીનોને પણ પ્રથમ દિવસે વિવિધ પ્રકારની ફિલ્મો જોવા પડાપડી કરી હતી.બાંધકામ શ્રમિક પરિવારનાં બાળકની રંગપંચમીની સંવાદો વગરની ફિલ્મ છવાઈઃ એનિમેશનમાં પોલીશ ફિલ્મોની રજૂઆત પ્રથમ દિવસે રજૂ થયેલી ફિલ્મોમાં અપંગોને પડતી તકલીફોની વાત કરતી પંકજ જોહરની મેકિંગ ઈન્ડિયા એકસેસિબલ નેશનલ કોમ્પિટિશન સેક્શનમાં રજૂ થઈ હતી.ભારત દેશમાં ફૂટપાથ ધીમે ધીમે અદ્રશ્ય થઈ રહી છે ત્યારે સુગમ્ય ભારતની વાત કરતી આ ફિલ્મમાં વ્હીલચર ચલાવવામાં કેવી તકલીફ પડે છે તેની તથા આ સમસ્યા દૂર કરવા માટે થઈ રહેલા પ્રયાસની વાત રજૂ થઈ હતી.તો મહારાષ્ટ્રમાં ૩૫૦ કિલ્લાઓની અવદશાનો ચિતાર આપતી ગડ કિલ્લે આણિ સ્મારક ફિલ્મમાં ભાવેશ રહાણેએ સાથે સાથે અરબી સમુદ્રમાં લગભગ ૨૪૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બંધાનાર શિવાજી સ્મારકની ટાઈમ લાઈન રજૂ કરી શિવાજીના નામે રમાતા રાજકીય ખેલની બીજી બાજુ રજૂ કરી હતી.૧૯૯૪માં મનોહર જોશીએ જેની કુંડળી માંડી હતી અને જેનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે કરવામાં આવ્યું હતું તે સ્મારક હજુ સાકાર થયું નથી.

વિજયેતા કુમારની કિકીંગ બાલ્સ ફિલ્મમાં ફૂટબાલની રમત દ્વારા રાજસ્થાનના બંધિયાર બાળલગ્નની પ્રથા ધરાવતા સમાજમાં યુવતીઓ કેવી રીતે સમાજપરિવર્તન કરી શકે છે તેની વાત રસપ્રદ રીતે રજૂ કરવામાં આવી છે.નાના ગામોમાંથી આવતી યુવતીઓ ફૂટબાલ રમતી થાય પછી તેમનાં બદલાતા વ્યક્તિત્વની તાસીરને ઝીલવામાં આ ફિલ્મ સફળ રહી છે.જો કે મુંબઈમાં એક બહુમાળી ઇમારતમાં મજૂરી કરતાં પિતા અને તેમના પાંચ વર્ષના બાળકની જિંદગીમાં રમાતી રંગપંચમીની વાત એકપણ સંવાદ વિના રજૂ કરી દર્શકોની વાહ વાહ મેળવી ગઈ હતી.ઓનિલ કુલકર્ણીની માત્ર પંદર મિનિટની આ ફિલ્મ શિલ્પકારમાં પ્રથમ સિનમાંથી ઉર્જાનો જે ધોધ વહે છે તે કાબિલે દાદ છે.આનંદની ક્ષણો નાણાંની મોહતાજ હોતી નથી તેવો સંદેશો આપતી ફિલ્મમાં બાળકની સ્ફૂત અને ફિલ્મની ગતિનું સુંદર સાયુજ્ય સધાયુ છે.તો પુલક કુમાર દાસની ૧૧ મિનિટની રજસ્વલા થવાની ઘટનાને કિશોરીની નજરે રજૂ કરતી ફિલ્મમાં રંગોની ઝાકમઝોળ જોવા મળી હતી.એનિમેશનમાં પાલિશ ફિલ્મોની રજૂઆત કરવામાં આવી હતી.આજે રજૂ થનારી રસપ્રદ ફિલ્મો મંગળવારે રશિયન એનિમેશન ફિલ્મ સર્જક એલેકઝાંડર પેટ્રોવની ફિલ્મોનો રિટ્રોસ્પેક્ટિવ યોજાશે.તો નેશનલ કોમ્પિટિશનમાં કમલેશ મિશ્રાની દિલ્હી રાયટ્સ થ અ ટેલ ઓફ બર્ન એન્ડ બ્લેમ રજૂ થશે.ઇન્ટરનેશનલ સેક્શનમાં એલિયા રોમાનેલીની ઈટાલિયન ફિલ્મ વેનિસ એલ્સવ્હેર રજૂ થશે.મુંબઈના પેડર રોડ પર આવેલાં ફિલ્મ્સ ડિવિઝન સંકુલમાં જુદાં જુદાં ઓડિટોરિયમમાં આ સ્ક્રિનિગં યોજાઈ રહ્યું છે.

Share Now