મુંબઇ : મહારાષ્ટ્રની તમામ યુનિવર્સિટીઓને એકસમાન પરીક્ષા પદ્ધતિનું પાલન કરવાનો બોમ્બે હાઇ કોર્ટે આજે નિર્દેશ આપ્યો હતો.આને કારણે સીઇટીની તૈયારી કરતા અને ઉચ્ચ અભ્યાસ માટે પરદેશ જવા માગતા વિદ્યાર્થીઓને સુગમતા રહેશે એમ હાઇકોર્ટે જણાવ્યું હતું.હાઈકોર્ટે સરકારને તમામ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર્સની બેઠક યોજવા જણાવ્યું છે.મહારાષ્ટ્રની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષામાં સમાનતા હોવી જોઇએ અને રિઝલ્ટ સમયસર જાહેર કરવા જોઇએ એવી માગણી સાથે ૧૧ યુનિવર્સિટીના વિદ્યાર્થી પ્રતિનિધિઓ વતી કલ્પેશ યાદવે હાઇકોર્ટમાં ધા નાખી હતી.આજે આ અરજીની સુનાવણી વખતે હાઇ કોર્ટે એકસમાન પરીક્ષા પદ્ધતિના પાલનનો આદેશ આપ્યો હતો.
અસમાન પરીક્ષાને કારણે મુશ્કેલીનો સામનો કરતા વિદ્યાર્થીઓની વાત શિક્ષણ પ્રધાન ઉદય સામંત અને ઉપકુલપતિઓને મળીને વિદ્યાર્થીઓએ રજૂ કરી હતી.છતાં કોઇ પરિણામ ન આવતા ૧૧ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વતી વડી અદાલતમાં અરજી કરવામાં આવી હતી.હાઇ કોર્ટે આજે અરજદારને એવી સૂચના આપી હતી કે પરીક્ષા અંગે સરકારને એક નિવેદન મોકલાવવામાં આવે અને સરકાર પહેલી જૂને એક તમામ વાઈસચાન્સેલર્સની મીટિંગ બોલાવીને આ બાબતનો નિર્ણય લે.આ નિર્ણયનું દરેક યુનિવર્સિટીઓ પાલન કરે એવો પણ સ્પષ્ટ નિર્દેશ હાઇ કોર્ટે આપ્યો હતો.