લખનૌ : તા.31 મે 2022, મંગળવાર : ઉત્તર પ્રદેશના બરેલીમાં મંગળવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થઈ ગયા છે.એમ્બ્યુલન્સના ડ્રાઈવરને ઉંઘ આવી જવાના કારણે આ અકસ્માત થયું હતું.રામમૂર્તિ હોસ્પિટલની એમ્બ્યુલન્સ મંગળવારે સવારે ડિવાઈડર સાથે ટકરાઈ હતી.એમ્બ્યુલન્સ દિલ્હીથી બરેલી આવી રહી હતી.આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવારે 7 લોકોના મોત થઈ ચૂક્યા છે.આ ઘટના ફતેહગંજ પશ્ચિમી વિસ્તારની છે.અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે,ડ્રાઈવરને ઉંઘ આવી જતા એમ્બ્યુલન્સ ડિવાઈડર ઓળંગીને બીજી તરફ જઈ રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી.મૃતકોમાં 4 પુરુષો અને 3 મહિલાઓ સામેલ છે.બધા મૃતકો પીલીભીતના હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને મૃતકોના મૃતદેહને કબ્જામાં લીધા છે.એસએસપી રોહિત સિંહ સજવાણે જણાવ્યું કે,દિલ્હી-લખનૌ રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક એમ્બ્યુલન્સ દિલ્હીથી આવી રહી હતી જેમાં 6 લોકો બેઠા હતા જે પીલીભીતના રહેવાસી છે.આ લોકો દિલ્હીથી એકઅપ કરાવીને પરત ફરી રહ્યા હતા.30 તારીખે તેમની અપોઈન્ટમેન્ટ હતી.આ એમ્બ્યુલન્સ દિલ્હીથી પરત ફરતી વખતે ડિવાઈડર પાર કરીને સામેથી આવી રહેલા કન્ટેનર સાથે અથડાઈ હતી.એસએસપી રોહિત સિંહ સજવાણાના જણાવ્યા પ્રમાણે ગાડીમાં બેઠેલા બધા 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બરેલીના ભોજીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.