આંધીએ દિલ્હી ધમરોળ્યું, અનેક વૃક્ષો ધરાશાય, ફ્લાઇટ્સ ડાયવર્ટ

256

નવી દિલ્હી : કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે.જે સાથે જ હવે અન્ય રાજ્યોમાં પણ ચોમાસાનો વરસાદ પડવાની શરૂઆત થઇ છે.દિલ્હીમાં સોમવારે ભારે પવન સાથે વરસાદ પડયો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડયા હતા.પવનની ગતી પ્રતિ કલાકે ૧૦૦ કિમીની હોવાથી અનેક વિસ્તારોમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ પડયા હતા.આ સાથે જ માત્ર સવા કલાકમાં જ દિલ્હીના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો.બીજી તરફ કેરળમાં શરૂઆત બાદ હવે તેની આસપાસના રાજ્યોમાં પણ ભારેે વરસાદ સાથે દક્ષિણ-પશ્ચિમી ચોમાસાનંુ આગમન થઇ ગયું છે. કેરળ અને આસપાસના રાજ્યોમાં સોમવારે ભારે પવન સાથે વરસાદ પડયો હતો.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય અરબ સાગરના કેટલાક હિસ્સા,કેરળ,તમિલનાડુ,કર્ણાટક,દક્ષિણ અને પશ્ચિમ બંગાળની ખાડીમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે. આગામી ત્રણ ચાર દિવસમાં આ રાજ્યોમાંથી ચોમાસુ આગળ વધી જશે.

જ્યારે પશ્ચિમી રાજ્યો મહારાષ્ટ્રમાં ૧૦મી જૂન અને ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઇ જશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.જ્યારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ૧૫થી ૨૦ જૂન વચ્ચે ચોમાસાનું આગમન થઇ શકે છે.૨૫મી જુન સુધીમાં દક્ષિણ રાજસ્થાન,પજાબ-હરિયાણા,હિમાચલ પ્રદેશમાં પણ ચોમાસાનો વરસાદ પડવાની આગાહી છે.આ પરિસ્થિતિ વચ્ચે દિલ્હીમાં સોમવારે ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વૃક્ષો પડી ગયા હતા,જેથી વૃક્ષો નીચે રાખેલા અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.દિલ્હી એરપોર્ટ પર સોમવારે સાંજે આંધીને કારણે આઠ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરી દેવામાં આવી હતી.આ ફ્લાઇટોને જયપુર,અમદાવાદ,ચંડીગઢ,લખનઉ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવી પડી હતી.જેને પગલે મુસાફરોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

Share Now