ચંદીગઢ : પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં પંજાબ પોલીસે દહેરાદૂનથી છ આરોપીઓને ઝડપી લીધા છે.એ પાંચેય આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને હાઈકોર્ટના ન્યાયધીશના નેતૃત્વમાં હત્યાકાંડની તપાસનો આદેશ આપ્યો છે.વિપક્ષોએ આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો અને રાજ્યપાલને મળીને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી.સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના આરોપમાં પંજાબ પોલીસે દહેરાદૂનથી છ લોકોની ધરપકડ કરી છે.આ આરોપીઓમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યનો પણ સમાવેશ થાય છે.સીસીટીવી ફૂટેજના આધારે પંજાબ પોલીસે શોધખોળ આદરી હતી.મૂસેવાલાની હત્યામાં બીજા એક પંજાબી સિંગર મનકીરત ઔલખનું નામ પણ ઉછળી રહ્યું છે.ગેંગસ્ટર દવિંદર બંબીહા અને વિક્કી ગૌંડર જૂથે આ સિંગરનું નામ લીધું હોવાની ચર્ચા છે.ઔલખ ગેંગસ્ટર લોરેન્સનો નજીકનો ગણાય છે.આ મુદ્દે પંજાબ પોલીસ સિંગર મનકીરતની પૂછપરછ કરે એવી પણ શક્યતા છે.લોરેન્સ અને ગોલ્ડી બરાડે મૂસેવાલાની હત્યા કરી હોવાનું દવિંદર બંબીહાની સોશિયલ મીડિયા પોસ્ટમાં કહેવાયું હતું.ઔલખ બધા જ સિંગર્સ પાસેથી વસૂલી કરીને લોરેન્સને આપતો હતો એવો આરોપ પણ એમાં મૂકાયો છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આ હત્યાકેસની તપાસ હાઈકોર્ટના સીટિંગ ન્યાયધીશના નેતૃત્વમાં બનેલી સમિતિને સોંપી છે.સિંગરના પિતાએ સીબીઆઈ કે એનઆઈએની તપાસ કરવા માગણી કરી હતી. ભગવંત માને કહ્યું હતું કે પંજાબની સરકાર આરોપીઓને માફ કરશે નહીં,સખ્તમાં સખ્ત કાર્યવાહી કરાશે.મુખ્યમંત્રીએ ડીજીપીના ચર્ચાસ્પદ નિવેદન અંગે પણ સ્પષ્ટતા માગી છે.પંજાબના ડીજીપી વી.કે.ભંવરાએ કહ્યું હતું કે ગેંગવોરના કારણે સિંગરની હત્યા થઈ હતી.જોકે,વિવાદ પછી ડીજીપીએ સ્પષ્ટતા કરી હતી કે તેમણે સિંગરને ગેંગસ્ટર્સ સાથે કનેક્શન ધરાવતા હોવાનું કહ્યું નથી.તેમના નિવેદનને અલગ સંદર્ભમાં લેવામાં આવ્યું છે.બીજી તરફ પંજાબના વિપક્ષોએ રાજ્યપાલને મળીને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી હતી.ભગવંત માનની સરકાર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ નીવડી હોવાથી તુરંત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડવું જોઈએ એવી દલીલ વિપક્ષોએ કરી હતી.પંજાબની સરકારે ૪૨૪ મહાનુભાવોની સુરક્ષામાં ફેરફાર કર્યો હોવાથી આવી ઘટનાઓ વધવાની દહેશત પણ વિપક્ષોએ વ્યક્ત કરી હતી.