નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ યોજના દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલા ગોટાળા અને ભાઈભત્રીજાવાદમાં ફસાયેલું ભારત હવે નવી ઊંચાઈને સ્પર્શે છે.મોદી સરકારના આઠ વર્ષ પૂરા થયા તે નિમિત્તે તેમણે પીએમ કેર્સ ફંડ યોજનાની જાહેરાત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે હાલમાં દેશ આત્મવિશ્વાસથી લથબથ છે અને દેશવાસીઓને પોતાના પર ભરપૂર વિશ્વાસ છે.
તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૪ પહેલા ભારત હજારો કરોડના ભ્રષ્ટાચાર,ભાઈ-ભત્રીજાવાદ,દેશભરમાં ફેલાયેલા આતંકવાદી સંગઠન,પ્રાદેશિક ભેદભાવના કુચક્રમાં ફસાયેલું હતું.હવે તેમાથી દેશ બહાર નીકળી રહ્યો છે.ભારતે છેલ્લા આઠ વર્ષમાં જે ઊંચાઈઓ હાંસલ કરી છે તેની કોઈ કલ્પના પણ કરી શકતું ન હતું.આજે વિશ્વમાં ભારતનું ગૌરવ વધ્યું છે.વૈશ્વિક મંચો પર ભારતની તાકાત વધી છે.મને આનંદ છે કે ભારતની યુવા શક્તિ તેનું નેતૃત્વ કરી રહી છે.
મોદીએ જણાવ્યું હતું કે અમારી સરકારે ટેકનોલોજીનો ઉપયોગ વધારીને ગરીબને તેના અધિકાર આપ્યા છે.આજે ગરીબમાં ગરીબને વિશ્વાસ છે કે સરકારની યોજનાઓનો લાભ તેને મળશે.વડાપ્રધાને આ પ્રસંગે કોરોનામાં માબાપ ગુમાવનારા વિદ્યાર્થીઓને પીએમ કેર્સ ફંડમાંથી લગભગ ૪,૦૦૦ રુપિયા આપવાની જાહેરાત કરી હતી.આ સ્કોલરશિપ હેઠળ પ્રતિ બાળક ૨૦,૦૦૦ રુપિયા વર્ષે શાળાકીય શિષ્યવૃત્તિ માટે આપવામાં આવશે.તેમા પ્રતિ માસ ૧૦૦૦ રુપિયાનું ભથ્થું હશે.વાર્ષિક એકેડેમિક એલાઉન્સમાં ૮૦૦૦ની સ્કૂલ ફી,પુસ્તકોને આવરી લેવામાં આવશે.પહેલાથી બારમા ધોરણના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ ફાળવવામાં આવશે.મંત્રાલયે જણાવ્યું હતું કે ૨૦૨૨-૨૩માં આ યોજના હેઠળ ૩,૯૪૫ બાળકોને ફાયદો થશે.તેની પાછળ સરકાર ૭.૮૯ કરોડનો ખર્ચ કરશે.તેમણે સોમવારે પીએમ-કેર્સના ફાયદાની જાહેરાત કરી હતી.તેમા બાળકો માટે પીએમ કેર્સ પાસબૂક અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના હેલ્થ કાર્ડનો સમાવેશ થાય છે.પીએમ કેર્સ ફંડનો મુખ્ય હેતુ બાળકોની સર્વગ્રાહી સુરક્ષા અને તેઓને બોર્ડિંગ, લોજિંગ કાયમી ધોરણે પૂરા પાડવાનું તથા તે ૨૩ વર્ષનો થાય ત્યાં સુધી કુલ દસ લાખનું નાણાકીય સમર્થન પૂરુ પાડવાનું આયોજન છે.