સુરત : ટફના દાવાઓના ઝડપી નિકાલ માટે મંત્રામાં યોજાયેલાં ટેકસટાઇલ કમિશનર કચેરીના બે-દિવસીય કેમ્પમાં આજે સંખ્યામાં મોટી સંખ્યામાં અરજદારો-કારખાનેદારોએ હાજરી આપી હતી.આજે પહેલાં દિવસે આશરે 100 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.ટફ યોજનામાં સબસીડી મેળવવા માટે અરજી કરનારા ટેક્સટાઈલ ઉદ્યોગકારોની અરજીઓનો ઝડપી નિકાલ થતો નથી,એવી ફરિયાદો વખતોવખત ઉઠી છે.હકીકતમાં ગુજરાતમાં નોંધાયેલા 2831 ટફના કેસો પૈકી 1254 કેસોમાં જ ડોક્યુમેન્ટ અત્યાર સુધી અપલોડ કરવામાં આવ્યાં છે.ટફ બાબતેની અરજીના નિરાકરણ માટે આવેલાં કારખાનેદારોને આજે એવું જણાવવામાં આવ્યું હતું કે,ટેકસટાઇલ કમિશનર કચેરીની વેબસાઈટ ખુલે એ સાથે જ આપે 6 મહત્વના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે,અને આની માહિતી આપે બેંકને આપવાની છે,એમ સૂત્રોએ વાતચીતમાં જણાવ્યું હતું.
ટેક્સટાઈલ કમિશનરની કચેરીએ કોઇમ્બતુર બેંગલુરુ,અમદાવાદ અને મુંબઈ બાદ સુરતમાં આઉટરીચ-ક્લિયરન્સ કેમ્પ યોજ્યો છે,એમ ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું,આ કેમ્પ દ્વારા ટફ યોજનાના બાકી દાવાઓનું ઝડપી નિરાકરણ આવશે,એવી ખાતરી તેમણે આવી હતી.ટફ હેઠળના તમામ પેન્ડિંગ દાવાઓના નિકાલને ઝડપી બનાવવા ટેક્ષટાઈલ વિભાગ દ્વારા કાપડ ઉદ્યોગસાહસિકો સુધી ડોર ટુ ડોર જઈને આઉટરીચ કેમ્પ યોજવાનો અને ક્લસ્ટરોને લગતા કેસો માટે જરૃરી સ્પષ્ટતાઓ-દસ્તાવેજો એકત્ર કરવાનો નિર્ણય લેવાયો છે.મંત્રામાં યોજાયેલા આજના કાર્યક્રમમાં પ્રમુખ રજનીકાંત બચકાનીવાલા,ઉપપ્રમુખ જયવદન બોડાવાલા,ટેક્ષટાઈલ વિભાગના ડે.ડિરેક્ટર જનરલ ઉષા પોલ,એડિ.ટેક્ષટાઈલ કમિશનર એસ.પી.વર્મા,જેઆઈટીનું સંચાલન કરનાર ટેક્ષટાઈલ કમિટીના અધિકારીઓ અને સુરત વિભાગની 32 નોડલ બેંકો અને 12 પીએલઆઈ,ટેક્ષટાઈલ ઉદ્યોગકારો અને ટેક્ષટાઈલ મંત્રાલય અને મંત્રાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.