મુંબઈ : આઈપીએલની મેચોમાં ગ્રાન્ડ્સમેન અને ક્યુરેટર્સે પણ મહત્વની ભૂમિકા અદા કરી છે.તેમના આ યોગદાન બદલ ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે તમામ મેદાનના ગ્રાઉન્ડસ્ટાફ અને ક્યુરેટર્સને રૂ.1.25 કરોડનો પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી.રવિવારે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાઈ હતી.ગુજરાત ટાઈટન્સે રાજસ્થાનને સાત વિકેટે હરાવીને પ્રથમ વર્ષે જ આઈપીએલ ચેમ્પિયનની ટ્રોફી જીતી લીધી હતી.
ક્રિકેટની લોકપ્રિય લીગના સૌથી સફળ આયોજન પાછળ હજારો ગ્રાઉન્ડસ્ટાફ તથા કેટલાક ક્યુરેટર્સની પણ મહેનત પણ તેટલીજ મહત્વની રહે છે.આ માટે બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે,આઈપીએલની મેચ જે છ મેદાન પર રમાઈ હતી તેના ગ્રાઉન્ડસ્ટાફ તથા ક્યુરેટર્સ માટે રૂ.1.25 કરોડનો રોકડ પુરસ્કાર જાહેર કરતા હું આનંદ અનુભવું છું.આ લોકોની મહેનતને લીધે જ આઈપીએલમાં શ્રેષ્ઠ મુકાબલાઓ શક્ય બન્યા હતા.હું તમામ સ્ટાફ અને ક્યુરેટરનો આ બદલ આભાર વ્યક્ત કરું છું તેમ જય શાહે ટ્વીટ કરીને જણાવ્યું હતું.આઈપીએલની લીગ સ્ટેજની મેચો જ્યાં રમાઈ હતી તે વાનખેડે,બ્રેબોન,નવી મુંબઈના ડી વાય પાટીલ સ્ટેડિયમ તથા પુણેના એમસીએ સ્ટેડિયમ માટે રૂ.25-25 લાખ તથા પ્લેઓફ માટેના ગ્રાઉન્ડ્સ કોલકાતાના ઈડન ગાર્ડન્સ અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને રૂ.12.5-12.5 લાખ અપવાની બોર્ડે જાહેરાત કરી હતી.