નવી િદલ્હી : કેન્દ્રમાં ભાજપની સરકારના આઠ વર્ષની ઉજવણી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉની સરકારો પર નિશાન સાધ્યું હતું.તેમણે કહ્યું હતું કે,૨૦૧૪ પહેલાં ભ્રષ્ટાચાર સરકારનો મહત્વનો હિસ્સો ગણાતો હતો.જોકે,છેલ્લા આઠ વર્ષમાં ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’પોલિસીને લીધે આ મુદ્દે આમૂલ પરિવર્તન આવ્યું છે.શિમલાના રિજ મેદાન ખાતે એક સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “હવે આપણી સરહદો ૨૦૧૪ પહેલાંના સમયની તુલનામાં વધુ સુરક્ષિત છે.”મોદીએ જણાવ્યું હતું કે,“મારી સરકારે સત્તા સંભાળ્યા પછી વિવિધ યોજનાની યાદીમાં સામેલ ૯ કરોડ જેટલા બનાવટી નામોને હટાવ્યા છે.ઉપરાંત,પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે સ્કોલરશિપ કે પછી અન્ય કોઈ યોજના,અમે તેના નાણાં લાભાર્થીઓના ખાતાંમાં સીધા ટ્રાન્સફર કર્યા છે.”મોદીએ દાવો કર્યો હતો કે,દેશમાં ગરીબીનું પ્રમાણ ઘટી રહ્યું છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ પણ તે કબૂલ્યું છે.મોદીએ જણાવ્યું હતું કે,“૨૦૧૪ પહેલાં સમાચારોમાં કૌભાંડો છવાયેલા રહેતા હતા.જ્યારે હવે મારી સરકારની વિકાસ યોજનાઓ અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિની ચર્ચા થાય છે.”મોદીએ આરોપ મૂક્યો હતો કે, ૨૦૧૪ પહેલાં ભ્રષ્ટાચાર સરકારનો મહત્વનો હિસ્સો ગણાતો હતો.કોરોના સામેની લડત અંગે મોદીએ જણાવ્યું હતું કે, દેશમાં અત્યાર સુધીમાં લગભગ ૨૦૦ કરોડ વેક્સિન ડોઝ અપાઈ ચૂક્યા છે.