એલપીજી સિલિન્ડર આજે વધુ મોંઘો થવાની આશંકા

138

નવી દિલ્હી : તા.૩૧ : દેશમાં વર્તમાન સમયમાં મોંઘવારીથી પીસાઈ રહેલા સામાન્ય માણસને ખાસ કરીને રાંધણ ગેસના મોરચે કોઈ રાહત મળતી દેખાતી નથી.સામાન્ય રીતે દરેક મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ નિશ્ચિત થાય છે.સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવ સતત ઊંચા રહ્યા છે.વધુમાં યુરોપીયન સંઘે રશિયન ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કરતાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ ૧૨૨ ડોલરને પાર થઈ ગયો છે.તેની અસર ભારતમાં રાંધણ ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડવાની આશંકા સેવાઈ રહી છે.વૈશ્વિક પરિબળોના પગલે બુધવારે ૧લી જૂને રાંધણ ગેસના ભાવમાં ભારે ઊછાળો આવવાની શક્યતા છે.અગાઉ સરકારી ઓઈલ કંપનીઓએ ૧૯મી મેના રોજ રાંધણગેસના ભાવમાં રૂ.૩.૫૦નો વધારો કર્યો હતો.હાલ દિલ્હીમાં સબસીડીવાળા એલપીજી સિલિન્ડર એટલે કે ૧૪.૨ કિલોના ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.૧,૦૦૩ છે.મુંબઈમાં ઘરેલુ એલપીજીનો ભાવ રૂ.૧૦૦૨.૫૦ છે જ્યારે કોલકાતામાં ગ્રાહકોએ પ્રતિ એલપીજી સિલિન્ડર રૂ.૧,૦૨૯ ચૂકવવા પડે છે. ચેન્નઈમાં સબસિડીવાળા ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ.૧,૦૫૮.૫૦ છે.

Share Now