સુરત : તા.1 જુન 2022,બુધવાર : જેગ્વાર કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સરથાણાના યુવાન,તેના ભાઈ અને ત્રણ મિત્રો પાસે ફિનલેન્ડના વિઝા અપાવવાના બહાને સરથાણા વીટી નગર સર્કલ પ્લોટીનીયમ પ્લાઝામાં ઓફિસ ધરાવતો વિઝા કન્સલ્ટન્ટ રૂ.4.75 લાખ લઈ ફરાર થઈ જતા સરથાણા પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જામનગર લાલપુરના ભણગોર ગામનો વતની અને સુરતમાં સરથાણા સીમાડા નહેર મહારાજા ફાર્મની સામે ઓમકાર હાઈટ્સ એપાર્ટમેન્ટ એ/101 માં રહેતો 29 વર્ષીય કિશન દશરથભાઈ ચાંગેલા જેગ્વાર કંપનીમાં છેલ્લા સાત વર્ષથી સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે.હાલ જર્મનીમાં અભ્યાસ કરતા મિત્ર આકાશ રાદડીયા મારફતે તે સાત મહિના અગાઉ સરથાણા વીટી નગર સર્કેલ પાસે પ્લોટીનીયમ પ્લાઝા ઓફીસ નં.217 માં વિઝા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા દિલીપભાઈ કાળુભાઈ લાડુમોર(રહે.એ/142,સિધ્ધેશ્વર સોસાયટી,પુણા ગામ,સુરત)ના સંપર્કમાં આવ્યો હતો.યુરોપ જવા ઇચ્છુક કિશને દિલીપભાઈને વાત કરતા તેમણે ફિનલેન્ડમાં 15 જગ્યા છે,ગ્રુપમાં આવો તો નોકરી સાથે રહેવા,જમવાની સસ્તી સગવડ કરાવી આપવાની વાત કરી હતી.
આથી કિશને ગ્રુપમાં જવા પોતાના ભાઈ સચિન,ત્રણ મિત્રો અવિનાશ કાંતીલાલ વસાણી,સાગર મુકેશભાઈ ગામી અને પ્રતીક ઘનશ્યામભાઈ મકવાણાને તૈયાર કર્યા હતા.તમામ ગત સપ્ટેમ્બર 2021 માં દિલીપભાઈને તેમની ઓફિસે મળ્યા ત્યારે તેમણે વ્યક્તિ દીઠ રૂ.5.80 લાખનો ખર્ચ કહી મહિનામાં રૂ.95 હજાર એડવાન્સ આપો તો 90 દિવસમાં ઓફર લેટર આવી જશે અને ત્યાર પછી 30 દિવસમાં વિઝા મળશે તેમ કહી 120 દિવસની પ્રોસેસની વાત કરી પ્રોસેસ નહીં થાય તો એક અઠવાડીયામાં પૈસા પાછા આપવાનું કહ્યું હતું.આથી તમામે કુલ રૂ.4.75 લાખ જમા કરાવ્યા હતા.જોકે,90 દિવસ બાદ ઓફર લેટર નહીં આવતા તમામ દિલીપભાઈને મળ્યા ત્યારે તેમણે કામ થઈ જશે કહી બીજા 60 દિવસનો વાયદો કર્યો હતો.
જોકે,ત્યાર બાદ પણ કામ નહીં થતા ગત 9 એપ્રિલના રોજ દિલીપભાઈ પર દબાણ કરતા તેમણે લખાણ લખી આપ્યું હતું.પરંતુ તેનો પણ અમલ નહીં કરતા ફરી પૈસા લેવા ગયા તો તમામને ધમકી આપી હતી કે હવે રૂપિયા મળશે નહીં,તમારું કામ પણ નહીં થાય.ત્યાર બાદ તેમનો મોબાઈલ ફોન પણ બંધ આવતો હોય અને ઘરેથી પણ ક્યાંક ચાલ્યા જતા કિશને પોલીસમાં અરજી કરી હતી.સરથાણા પોલીસે અરજીના આધારે ગતરાત્રે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.