પાણી પુરવઠો ખોરવાતા લોકોએ ટેન્કર માગ્યા તો કહેવાયું, ટેન્કર છે ડ્રાઈવર નથી

136

સુરત : સુરત મ્યુનિ.ના અઘણડ વહીવટના કારણે વરાછા બી ઝોનના ઉત્રાણ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીના રહીશોએ ભર તડકામાં પાણી વિના રહેવું પડ્યું હતું.પાણી પુરવઠો ખોરવાતા લોકોએ પાલિકા પાસે પાણીના ટેન્કર મંગાવ્યા હતા પાલિકા પાસે ટેન્કર હતા પણ ડ્રાઇવર ન હોવાથી લોકોને પાણી પુરવઠો આપવામાં આવ્યો ન હતો.એક તરફ ટેન્કરથી પાણી મળ્યું ન હતું બીજી તરફ વીજ પુરવઠો પણ ન હોવાથી લોકોની હાલત કફોડી થતાં લોકોમાં રોષ પાલિકા તંત્ર પણ વધી ગયો હતો.

સુરત મ્યુનિ.ના વરાછા ઝોન-બી માં આવેલા ઉત્રાણ વિસ્તારની કેટલીક સોસાયટી ને ગઈકાલ મંગળવારે પાલિકાના વહિવટનો કડવો અનુભવ થયો હતો.ગઈકાલે આ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થતાં અનેક ઘરોમાં પાણી સપ્લાય થઈ ન હતો.આ દરમિયાન આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો તેથી બોરિંગ થી પણ સોસાયટીઓને પાણી મળ્યું ન હતું.જેના કારણે લોકોએ પાલિકા પાસે પાણીના ટેન્કર માટે પુછા કરતા ઝોનના પાણી વિભાગ દ્વારા ટેન્કર છે પણ ડ્રાઇવર નથી તેવો જવાબ મળતા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી.

વરાછા ઝોન-બી માં નવો ઝોન બન્યા બાદ પાણીના બે ટેન્કર ફાળવવામાં આવ્યા છે.પરંતુ ડ્રાઇવર નહીં હોવાથી આ ટેન્કરો લોકોને પાણી પહોંચાડવા માટે કામમાં આવી શકતા નથી.આ ઝોનમાં ટેન્કરનું મહત્વ એટલા માટે છે કે આ ઝોનમાં કઠોર,લસકાણા,પાસોદરા,ઓબલા વગેરે ગામોનો સમાવેશ થાય છે,જયા મનપાનું પાણી નેટવર્ક નથી.ત્યા માત્ર બે ટેન્કર ની ફાળવણી પણ પૂરતી નથી તેમાં પણ ડ્રાઇવરના નહી હોવાથી લોકોને કાળઝાળ ગરમી વચ્ચે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.પાલિકાના આવા વહીવટ ના કારણે લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ વિસ્તારમાં ટેન્કરની જરૂર હોય કાયમી ધોરણે ટેન્કરના ડ્રાઈવરની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Share Now