સુરત : એક સમયે હાર્દિક પટેલ વરાછામાં આવે ત્યારે હજારો લોકો જોવા માટે ભેગા થતાં તેના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં હાર્દિક પટેલના ભાજપમાં પ્રવેશને આવકાર આપતા ગણ્યા ગાંઠવા હોર્ડિંગ્સ છે અને તે પણ બિલ્ડિંગના ટેરેસ પર મુકવામાં આવ્યા છે.વરાછા વિસ્તારમાં બરોડા પ્રિસ્ટેજ પાસે એક બિલ્ડીંગની ઉપર હોર્ડિંગ્સ મુકવામાં આવ્યું છે તેમાં પણ ભાજપના મહાનુભવોના ફોટા છે અને તેમાં યુવા હૃદય સમ્રાટ હાર્દિક પટેલનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે તેવું લખ્યું છે.જોકે,બન્ને હોર્ડિંગ્સ કોણે લગાવ્યા છે અને શુભેચ્છા કોણે આપી છે તે લખવામાં આવ્યું નથી.વરાછા વિસ્તારમાં હાર્દિક પટેલના હોર્ડિંગ્સ સાથે ચેડાં થાય તેવી ભીતિ હોવાથી ઉંચાઈ પર લગાવવામાં આવ્યું હોવાની અટકળો થઈ રહી છે.
હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ વખતે સુરતમાં કોઈ વિરોધ થાય છે કે નહીં તે માટે લિટમસ ટેસ્ટ રૂપે આ હોર્ડિંગ્સ લગાવવામા આવ્યા હોવાની ચર્ચા સુરતના રાજકારણમાં થઈ રહી છે.બીજી તરફ ભાજપના ગઢ એવા પશ્ચિમ વિસ્તાર રાંદેર રોડ પર રોડની બાજુમાં જ હાર્દિક પટેલને ભાજપમાં આવકારતું હોર્ડિંગ્સ લગાવાયું છે.તેમાં સંઘર્ષશીલ યુવા નેતા હાર્દિક પટેલનું ભારતીય જનતા પાર્ટીમાં સહર્ષ સ્વાગત છે તેવું લખાયું છે.તેની સાથે જે.પી.ના,અમિત શાહ,નરેન્દ્ર મોદી,ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલના ફોટા સાથે હાર્દિક પટેલનો ફોટો જોવા મળે છે.