ધોનીએ મને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂક્યો પછી વન ડેમાંથી નિવૃત્તિ લઈ લેવાનો હતો

106

નવી દિલ્હી : તા.૧ : ભૂતપૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગે વધુ એક વખત ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તરફ નિશાન તાક્યું છે.સેહવાગે કહ્યું કે,વર્ષ ૨૦૦૮માં ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તત્કાલીન કેપ્ટન ધોનીએ મને વન ડે ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂક્યો હતો.ત્યારે મારા મનમાં નિવૃત્તિનો વિચાર આવ્યો હતો.સેહવાગે કહ્યું કે,મેં ટેસ્ટ ટીમમાં પુનરાગમન કર્યું હતુ અને ૧૫૦ રન ફટકાર્યા હતા.જોકે વન ડેમાં હું બે-ચાર તકમાં નિષ્ફળ રહ્યો હતો.જેના કારણે ધોનીએ મને પ્લેઈંગ ઈલેવનમાંથી પડતો મૂક્યો હતો.આ તબક્કે હું નિવૃત્તિ લેવાનો વિચારી રહ્યો હતો. મેં વિચાર્યું હતુ કે,હું ટેસ્ટ ક્રિકેટ રમતો રહીશ પણ વન ડેમાં થી નિવૃત્ત થઈ જાઉં.

ઓસ્ટ્રેલિયામાં ૨૦૦૮માં રમાયેલા ત્રિકોણીય જંગમાં શ્રીલંકા ત્રીજી ટીમ હતી.તે ત્રિકોણીય જંગમાં સેહવાગ ૧૦માંથી પાંચ મેચ રમ્યો હતો.તેણે ભારતની પ્રથમ ચાર મેચમાં અનુક્રમે ૬,૩૩,૧૧ અને ૧૪ રન કર્યા હતા.તેને એડીલેડમાં બે મેચમાં પડતો મૂકવામાં આવ્યો હતો.જે પછી તેને ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પાછો ટીમમા સમાવાયો હતો,તેમાં તેણે ૧૪ રન કર્યા હતા.તે શ્રેણીમાં ભારતે બેસ્ટ ઓફ થ્રી ફાઈનલમાંથી પહેલી બે ફાઈનલમાં જ ઓસ્ટ્રેલિયાને હરાવીને શ્રેણી જીતી લીધી હતી.

સેહવાગે કહ્યું કે,હું ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં જ વન ડેમાંથી નિવૃત્તિ લઈ લેવાનો હતો.ત્યારે તેંડુલકરે મને સમજાવ્યો.સચિને કહ્યું કે,હાલ તારો ખરાબ સમય ચાલી રહ્યો છે.ઉતાવળે નિર્ણય ન લઈશ.ઘરે ગયા પછી શાંતિથી વિચાર અને ત્યાર બાદ નિવૃત્તિ અંગે નિર્ણય લેજે.હું ભાગ્યશાળી રહ્યો કે,ત્યારે મેં નિવૃત્તિ જાહેર ના કરી.સેહવાગ ત્યાર બાદ સાત-આઠ વર્ષ રમતો રહ્યો હતો.તે ૨૦૧૧ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાં પણ સામેલ હતો.

Share Now