ચૂંટણીપંચે રજિસ્ટર્ડ છતાં નિષ્ક્રિય 87 રાજકીય પક્ષોને લિસ્ટમાંથી હટાવ્યાં

111

નવી િદલ્હી : ચૂંટણી પંચે રજિસ્ટર થયેલા કેટલાંક નિષ્ક્રિય પક્ષોની બાદબાકી કરી છે.અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે,ફિઝિકલ ચકાસણી વખતે આવા ૮૭ પક્ષોનું અસ્તિત્વ નહીં જણાતા તેમને રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ(RUPP)ના લિસ્ટમાંથી હટાવી દેવાયા છે.ઉલ્લેખનીય છે કે,ચૂંટણી પેનલે થોડા દિવસ પહેલાં ૨,૧૦૦થી વધુ રજિસ્ટર્ડ અજાણ્યા રાજકીય પક્ષો સામે નિયમો અને ચૂંટણી કાયદાના ઉલ્લંઘન બદલ કડક પગલાં જાહેર કર્યા હતા.જેમાં નાણાકીય યોગદાનની માહિતી સંબંધી નિયમોનું પાલન નહીં કરનારા તેમજ સરનામું અને ઓફિસ સ્ટાફનું નામ નહીં આપનારા પક્ષોનો પણ સમાવેશ થાય છે.પેનલના જણાવ્યા અનુસાર કેટલાક પક્ષો ગંભીર નાણાકીય ગેરરીતિ સાથે સંકળાયેલા હતા.ચૂંટણી પેનલે નોંધ્યું હતું કે,૮૭ RUPP સરનામું અપડેટ કરવામાં નિષ્ફળ રહી હતી,જે કાયદા મુજબ ફરજિયાત છે.ચૂંટણી પંચે રાજકીય પક્ષોના ફિઝિકલ વેરિફિકેશન અથવા ચકાસણીની પ્રક્રિયા હાથ ધરી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર સમગ્ર કાર્યવાહીમાં ઘણી કંપનીઓ અસ્તિત્વમાં નહીં હોવાનું જણાયું હતું.

જાણકારોની માહિતી અનુસાર ચૂંટણી પંચે ગુરુવારે RUPPsનું લિસ્ટ જાહેર કર્યું હતું.જેમાં રજિસ્ટર્ડ પણ અજાણ્યા પક્ષોના નામ રદ કરાયા હોવાની માહિતી આપવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે અગાઉ પણ આવી કવાયત હાથ ધરી હતી.ચૂંટણી પંચના નિર્ણયથી સંમત ન હોય એવા પક્ષને મુખ્ય ચૂંટણી અધિકારીને‘અસ્તિત્વના પુરાવા’સાથે ફરિયાદ કરવાની મંજૂરી આપવામાં આવી છે.જો આ ૮૭ RUPPs અસ્તિત્વ સાબિત નહીં કરી શકે તો તેમને સિમ્બોલ્સ ઓર્ડર,૧૯૬૮ હેઠળ વિવિધ લાભ નહીં મળે.જેમાં કોમન ચૂંટણી નિશાનની ફાળવણીનો પણ સમાવેશ થાય છે.સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ દેશમાં ૨,૭૯૬ રજિસ્ટર્ડ અજાણ્યા રાજકીય પક્ષ હતા,જે ૨૦૦૧ની તુલનામાં ૩૦૦ ટકા વૃદ્ધિ દર્શાવે છે.

Share Now