ટી20માં દ્વિપક્ષીય મેચનું મહત્વ નથી, માત્ર વર્લ્ડ કપ જ રમોઃ શાસ્ત્રી

133

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે ટી20 ફોરમેટનો અર્થ બે દેશ વચ્ચેની ટી20 ઇન્ટરનેશનલ મેચની દ્વિપક્ષીય સિરીઝ માત્ર નથી પરંતુ ક્રિકેટના આ સૌથી ટચુકડા અને આકર્ષક ફોરમેટને માત્ર વર્લ્ડ કપ પૂરતી જ મર્યાદિત કરી દેવી જોઇએ.આમ ટી20માં માત્ર વર્લ્ડ કપ જ યોજાવો જોઇએ.ભારતીય ટીમના સૌથી સફળ કોચ પૈકીના એક શાસ્ત્રીએ જણાવ્યું હતું કે રમતપ્રેમીઓનું ટી20 પ્રત્યેનું આકર્ષણ જોતાં ફ્રેન્ચાઇઝી ક્રિકેટ અને ટી20 વર્લ્ડ કપ બે જ ઇવેન્ટ યોજાવી જોઇએ.આમ રવિ શાસ્ત્રીએ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી ટી20 સિરીઝના થોડા દિવસ અગાઉ જ આ પ્રકારની કોમેન્ટ કરીને અચરજ પેદા કર્યું હતું.શાસ્ત્રીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે હાલમાં ટી20 ક્રિકેટમાં ઘણી દ્વિપક્ષીય સિરીઝ રમાઈ રહી છે.મેં આ અંગે અગાઉ પણ કહ્યું છે અને હું કોચ હતો તે કાર્યકાળમાં પણ કહ્યું હતું કે આ ફોરમેટને વર્લ્ડ કપ પૂરતું સિમિત કરી દેવું જોઇએ.

ભારતમાં તાજેતરમાં જ આઇપીએલનું આયોજન થયું હતું અને તેની લોકપ્રિયતા અંગેના સવાલનો જવાબ આપતાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે મારા મતે તો વર્ષમાં બે વાર આઇપીએલનું આયોજન થવું જોઇએ.મને લાગે છે કે એ દિવસો હવે ખાસ દૂર નથી.તેણે ઉમેર્યું હતું કે 70-70 મેચની મળીને કુલ 140 મેચની આઇપીએલ યોજાય તે દિવસો હવે દૂર નથી.બે ભાગમાં તેનું આયોજન થઈ શકે તેમ છે અને ખૂબ જ નજીકના ભવિષ્યમાં આમ થતું જોવા મળશે.કદાચ આ બાબતને ક્રિકેટનો ઓવરડોઝ મનાશે પરંતુ ભારતમાં આમ થવાનું નથી.ભારતમાં આ ફોરમેટ આજે પણ એટલું જ રોમાંચક છે.

Share Now