સુરત : સુરતના ભેસ્તાન સ્થિત શ્રીજી કોમ્પ્લેક્ષમાં વરદાન જ્વેલર્સમાં લૂંટની ઘટનામાં લૂંટારૂઓએ એક દેશી બનાવટની રિવોલ્વરમાંથી રાઉન્ડ ફાયરીંગ કર્યાનું બહાર આવ્યું છે.જયારે લૂંટ કરવા આવનાર બે પૈકી એક તરૂણ અને બાઇક આપનારને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે.ભેસ્તાનના શ્રીજી કોમ્પ્લેક્ષમાં આવેલા વરદાન જ્વેલર્સમાં બુકાનીધારી બે લૂંટારૂ ત્રાટકયા હતા.બે પૈકી એક લૂંટારૂએ દુકાનદાર નીરજ મનોહર બાફનાને લમણે રિવોલ્વર મુકી હિલના મત વરના ફોડ દુંગા એમ કહી બાનમાં લીધો હતો.જયારે બીજા લૂંટારૂએ બેગમાં બગસરાના દાગીના ભરી રહ્યો હતો.
પરંતુ લમણે રિવોલ્વર મુકનાર લૂંટારૂ કાઉન્ટર પર ચઢી સોનાના દાગીનાની ટ્રે લેવા ગયો ત્યારે નીરજે હિંમ્મત દાખવી લૂંટારૂઓનો પ્રતિકાર કર્યો હતો.તે દરમિયા લૂંટારૂઓએ એક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યુ હતું. જો કે હિંમ્મત પૂર્વક નીરેજ બાથ ભીડતા લૂંટારૂઓ ભાગી ગયા હતા અને લૂંટના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.આ ઘટનામાં પોલીસે ઉન પાટીયા વિસ્તારમાં રહેતા તરૂણ અને અહેમદ રઝા મોહમદ સહિન અંસારી(ઉ.વ.21 રહે.સિદ્દીકનગર,ઉન ભીંડી બજાર)અંસારીની ડિટેઇન કર્યા છે.જયારે તેમના સાથીદારની શોધખોળ હાથ ધરી છે.
પાંડેસરા પીઆઇ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસથી ભાગતા ફરતો લૂંટારૂ પણ તરૂણ છે અને તેની પાસે રિવોલ્વર હતી અને તેમણે રેકી કરી લૂંટના પ્લાન બનાવ્યો હતો.જયારે અહેમદ અંસારીએ લૂંટ કરવા જવા માટે બાઇક પ્રોવાઇડ કરી હતી.ઉલ્લેખનીય છે કે ઘટના સ્થળેથી પોલીસે લૂંટારૂઓની રિવોલ્વર કબ્જે લીધી હતી.ડિટેઇન કરવામાં આવેલા લૂંટારૂ તરૂણે કબૂલાત કરી હતી કે તેઓ ત્રણ રાઉન્ડ લોડ કરીને આવ્યા હતા જે પૈકી એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું.