સુરત,તા. 3 જૂન 2022,શુક્રવાર : વાપી અને સુરત બંને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક શહેરો છે,જેમાં લાખો કારીગરોની અવરજવર રહે છે,જેના કારણે વાપીથી સુરત માટે 2 મેમુ ટ્રેન શરૂ કરવી જોઈએ.ભારત સરકારના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને PACએ રજૂઆત કરી હતી.
પ્રવાસીઓની સુવિધા અને પ્રવાસ દરમિયાન પડતી મુશ્કેલીઓ બાબતે પેસેન્જર એમેનિટીસ કમિટી (PAC)ના અધ્યક્ષ પી.કે. કૃષ્ણમૂર્તિની આગેવાનીમાં રેલવે મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનોને નવસારી,વાપી,વલસાડ,સચિન સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે.લાંબા અંતરની ટ્રેનોમાં સ્લીપર કોચમાં મુસાફરોની બેઠકો બિન-આરક્ષિત મુસાફરો દ્વારા કબજે કરવામાં આવે છે,તેની કડક તપાસ કરવામાં એવી રજૂઆત કરી હતી.
ભારતીય રેલવેએ મુસાફરોની સુવિધા માટે ઘણાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે.આવો જ એક પ્રોજેક્ટ બેંગ્લોરમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ છે.આ પાયલોટ પ્રોજેક્ટને અન્ય તમામ સ્ટેશનો પર વિસ્તારવામાં આવે તથા ટ્રેનો અને સ્ટેશનો પર 24 કલાક નજર રાખી શકાય તે માટે આરપીએફની સંખ્યામાં વધારો કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી હતી.