નવી દિલ્હી : સરકારે ડિરેક્ટર્સની નિમણૂકના નિયમોમાં ફેરફાર કર્યો છે.જેના ભાગરૂપે ચીન સહિત કેટલાક દેશોના વ્યક્તિઓની ભારતીય કંપનીઓના બોર્ડમાં નિમણૂક કરવાના મુદ્દે કડક ધોરણો લાગુ કર્યા છે. આવા વ્યક્તિઓ માટે સિક્યોરિટી ક્લીયરન્સ ફરજિયાત બનાવાયું છે.છેલ્લા કેટલાક સપ્તાહમાં કંપની બાબતોના મંત્રાલયે ભારત સાથે સરહદ ધરાવતા દેશોની કંપનીઓ અને વ્યક્તિઓ માટેના નિયમોમાં વિવિધ ફેરફાર કર્યા છે.કડક માળખના ભાગરૂપે મંત્રાલયે ભારત સાથે સરહદ ધરાવતા દેશોની કંપનીઓ અને વ્યક્તિઓની ભારતની કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર તરીકે નિમણૂક માટે સિક્યોરિટી ક્લીયરન્સ ફરજિયાત બનાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે,મંત્રાલયે ૨૦ મેના રોજ ભારતીય કંપનીઓ સાથે સંકળાયેલા આવા દેશો માટે FEMAનું ડિક્લેરેશન ફરજિયાત બનાવ્યા પછી નિયમમાં ફેરફાર કર્યો છે.મંત્રાલય દ્વારા સમાધાન,વિવિધ ગોઠવણ અને એમાલગમેશનને લગતા નિયમોમાં સુધારો કરાયો છે.મંત્રાલયે પાંચ મેના રોજ ભારત સાથે સરહદ ધરાવતા દેશોની કંપનીઓ અને વ્યક્તિઓ દ્વારા દેશની ગવર્નિંગ કંપનીઓમાં રોકાણ માટે આગોતરી મંજૂરીના નિયમમાં ફેરફાર કર્યો છે.
સિક્યોરિટીઝના પ્રોસ્પેક્ટસ અને ફાળવણી અંગે એમેન્ડમેન્ટ કરાયા છે.એપ્રિલ ૨૦૨૦માં DPIIT દ્વારા વિદેશી રોકાણ અંગે પ્રેસ નોટ ૩ ઇશ્યૂ કરાઈ હતી.પ્રેસ નોટને પગલે સરકારે વિદેશી રોકાણ માટે આગોતરી મંજૂરી ફરજિયાત બનાવી હતી.ભારત સાથે સરહદ ધરાવતા દેશોમાં ચીન,બાંગ્લાદેશ,ભુટાન,નેપાળ,મ્યાનમાર,પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.