આર્ય સમાજ દ્વારા અપાતું મેરેજ સર્ટિફિકેટ અમાન્યઃ સુપ્રીમ કોર્ટ

125

પ્રયાગરાજ : સર્વોચ્ચ અદાલતે એક મહત્વના ચુકાદામાં આર્ય સમાજ દ્વારા જારી કરાયેલા લગ્નના પ્રમાણપત્રને માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો.અદાલતે જણાવ્યું હતું કે આર્ય સમાજનું કાર્ય લગ્નના પ્રમાણપત્ર જારી કરવાનું નથી,માત્ર સક્ષમ સત્તા જ લગ્નના સર્ટિફિકેટ જારી કરી શકે છે.મધ્યપ્રદેશમાં થયેલા એક પ્રેમલગ્ન અંગેના કેસમાં જસ્ટિસ અજય રસ્તોગી અને બી.વી.નાગરત્નાની બેન્ચે કોર્ટ સમક્ષ ઓરિજિનલ મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

કેસની વિગતો અનુસાર યુવતીના પરિવારજનોએ પોતાની ફરિયાદમાં યુવતીને સગીર વયની દર્શાવી તેના અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સામે પક્ષે યુવતી સાથે લગ્ન કરનાર યુવકે જણાવ્યું હતું કે યુવતી પુખ્તવયની છે અને તેણે પોતાની ઈચ્છાથી જ તેની સાથે આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યાં હતાં.યુવકે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા તરફથી જારી કરાયેલું મેરેજ સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કર્યું હતું.જોકે સુપ્રીમ કોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

આ કેસમાં સુપ્રીમે મધ્યપ્રદેશ હાઈકોર્ટના એપ્રિલમાં અપાયેલા આદેશને પડકારતી અરજીની સુનાવણી માટે પણ સંમતિ દાખવી હતી.આ કેસમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્ય સમાજ દ્વારા જારી કરાતા મેરેજ સર્ટિફિકેટને નકાર્યું નહોતું.જોકે હાઈકોર્ટે આર્ય સમાજને આદેશ આપ્યો હતો કે તે સર્ટિફિકેટ જારી કરવાની પ્રક્રિયામાં સ્પેશિયલ મેરેજ એક્ટ,1954ની કલમ 5,6,7 અને 8ને સામેલ કરે.હાઈકોર્ટના આ ચુકાદાની સામે જ સુપ્રીમમાં અરજી કરાઈ હતી.જેની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી,અને હવે મેરેજ સર્ટિફિકેટ જારી કરવાના તેના અધિકારો પર પણ રોક લગાવી દીધી છે.જોકે આર્ય સમાજે પોતાનો પક્ષ રજૂ કરતાં જણાવ્યું હતું કે છેક 1937ની સાલથી તેના મંદિરોમાં લગ્ન કરાવાય છે અને તેને માન્યતા પણ અપાય છે.

Share Now