નવી દિલ્હી : કેન્દ્ર સરકારે 2021-22ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ(ઇપીએફ)ની જમા રકમ પર 8.1 ટકાના ચાર દાયકાના નીચા વ્યાજદરને આખરે માન્યતા આપી છે.હાલમાં મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે ઇપીએફના આશરે 5 કરોડ સભ્યોને તેમના પીએફની જમા રકમ પર વ્યાજની ઓછી કમાણી થશે.આ વર્ષના માર્ચમાં એમ્પ્લોઇડ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન(ઇપીએફઓ)એ 2021-22ના વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડની જમા રકમ પરના વ્યાજદરને 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો અને હવે આ નિર્ણયને કેન્દ્ર સરકારે માન્યતા આપી છે.ઇપીએફઓના આ નિર્ણયનો વિવિધ રાજકીય પક્ષોએ વિરોધ પણ કર્યો હતો.ઇપીએફઓએ 2020-21ના વર્ષમાં પીએફની રકમ 8.5 ટકા વ્યાજ આપ્યું હતું.શુક્રવારે ઇપીએફઓ ઓફિસે જારી કરેલા આદેશમાં જણાવાયું હતું કે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્ર સરકારે ઇપીએફ સ્કીમના દરેક સભ્યના ખાતામાં 2021-22ના વર્ષ માટે 8.1 ટકાના દરે વ્યાજ જમા કરવાની સૂચના આપી છે.
શ્રમ મંત્રાલયે તેની આ દરખાસ્ત મંજૂરી માટે કેન્દ્રીય નાણા મંત્રાલયને મોકલી હતી.હવે સરકાર દ્વારા આ વ્યાજદરને મંજૂરી બાદ ઇપીએફ ખાતાઓમાં આ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત દરના વ્યાજની રકમ જમા કરવાનું ચાલુ કરશે.ઇપીએફનો 8.1 ટકાનો વ્યાજદર 1977-78ના વર્ષ પછીનો સૌથી નીચો વ્યાજદર છે.1977-78માં 8 ટકા વ્યાજદર હતો.માર્ચ 2021માં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી(સીબીટી)એ 2020-21 માટે ઇપીએફની જમા રકમ પર 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો.તેને ઓક્ટોબર 2021માં નાણા મંત્રાલયે મંજૂરી આપી હતી.આ પછી ઇપીએફઓએ પીએફ ખાતાધારકોના ખાતામાં 2020-21 માટે 8.5 ટકા દરે વ્યાજની રકમ જમા કરવાનો પ્રાદેશિક ઓફિસોને આદેશ આપ્યો હતો.
ઇપીએફઓ ટ્રસ્ટીમાં કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતાં કે ઇ રઘુનાથને જણાવ્યું હતું કે વ્યાજદરને શ્રમ અને નાણા મંત્રાલયોએ જે ઝડપથી મંજૂરી આપી છે તે ખરેખર પ્રશંસનીય છે.કર્મચારીઓને નાણાની તાકીદની જરૂરિયાત છે ત્યારે આ ઝડપથી મંજૂરી મળી છે.તેનાથી કર્મચારીઓને તેમના બાળકોના શિક્ષણ જેવા ખર્ચને પહોંચી વળવામાં મદદ મળશે.માર્ચ 2022માં ઇપીએફઓએ પ્રોવિડન્ટ ફંડની રકમ પરના વ્યાજદરને ઘટાડી 8.5 ટકાના નીચા સ્તરે કર્યો હતો.આ વ્યાજદર 2019-20ના નાણાકીય વર્ષ માટેનો છે.2018-19માં પીએફની રકમ પર 8.65 ટકા વ્યાજ આપ્યું હતું.
2019-20ના નાણાકીય વર્ષ માટે ઇપીએફનો વ્યાજદર 8.5 ટકા હતો,જે 2012-13 પછીનો સૌથી નીચો હતો.ઇપીએફઓએ 2016-17ના નાણાકીય વર્ષમાં તેના સભ્યોને 8.65 ટકા વ્યાજ આપ્યું હતું.આ ઉપરાંત 2017-18ના નાણાકીય વર્ષમાં 8.55 ટકા વ્યાજદર આપ્યું હતું.2015-16ના નાણાકીય વર્ષમાં પીએફની જમા રકમ પરનો વ્યાજદર થોડો ઊંચો એટલે કે 8.8 ટકા હતો.આ ભવિષ્યનીતિ સંગઠને 2013-14 અને 2014-15ના વર્ષોમાં 8.75 ટકા વ્યાજ આપ્યું હતું.2011-12ના નાણાકીય વર્ષમાં 8.25 ટકાના દરે વ્યાજની કમાણી થઈ હતી.