નવી િદલ્હી : છેલ્લા કેટલાક સમયથી જમ્મુ-કાશ્મીરમાં‘ટાર્ગેટ કિલિંગ’ની ઘટનાઓથી સરકારની ચિંતા વધી છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે આ મુદ્દે ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ,આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને જમ્મુ-કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર મનોજ સિંહા હાજર રહ્યા હતા.મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે,ગૃહ મંત્રીએ જમ્મુ-કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.બેઠકમાં ચાલુ મહિને શરૂ થનારી અમરનાથ યાત્રાના સુરક્ષા બંદોબસ્તની પણ ચર્ચા થઈ હતી.ઉલ્લેખનીય છે કે,આતંકવાદીઓએ કાશ્મીર ખીણના વિસ્તારમાં હિંદુઓ,સુરક્ષા કર્મચારીઓ,એક આર્ટિસ્ટ અને કેટલાક સ્થાનિક રહીશોની હત્યા કર્યા પછી ગૃહ મંત્રીએ બેઠક બોલાવી હતી.ગુરુવારે એક બેન્ક કર્મચારી અને અન્ય કામદારની હત્યા કરાઈ હતી.જ્યારે બે અન્ય ઘટનામાં વધુ એક કામદારને ઇજા થઈ હતી.કાશ્મીરી પંડિત કર્મચારીઓને સુરક્ષિત સ્થાને ખસેડવાની સતત વધતી માંગણી અંગે જમ્મુ-કાશ્મીરના સત્તાવાળાએ સ્પષ્ટતા કરી છે કે,કર્મચારીઓને કાશ્મીરની બહાર નહીં મોકલાય,પણ તેમને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે,ટાર્ગેટ કિલિંગની તાજેતરની ઘટનાઓ છતાં અમરનાથ યાત્રા નિર્ધારિત સમય અનુસાર ૩૦ જૂનથી ૧૧ ઓગસ્ટના ગાળામાં જ યોજાશે.