નવી િદલ્હી : સંયુક્ત રાષ્ટ્રસંઘની સિક્યોરિટી કાઉન્સિલમાં પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી.ભારતે જણાવ્યું હતું કે પડોશી દેશ નરસંહાર અને ધાર્મિક હિંસાના ગંભીર ગુનાની જવાબદારીમાંથી કોઇ દેશ કેવી રીતે છટકી જાય છે,તેનું જીવંત ઉદાહરણ છે.ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત સીમા પારના ત્રાસવાદ સામે આકરા અને નિર્ણાયક પગલાં લેવાનું ચાલુ રાખશે.
યુએનમાં ભારતના કાયમી મિશનના કાઉન્સેલર-લિગલ એડવાઇઝર ડો.કાજલ ભટે ગુરુવારે સિક્યોરિટી કાઉન્સિલમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનના પ્રતિનિધિ દ્વારા ફેલાવામાં આવતા જુઠ્ઠાણા અને દુષ્પ્રચારનો જવાબ આપવાની તેમને ફરજ પડી રહી છે.આજે આપણે આંતરરાષ્ટ્રીય કાયદાના ગંભીર ઉલ્લંઘનની જવાબદારી અને ન્યાય મજબૂત કરવાની ચર્ચા કરીએ છીએ.પાકિસ્તાનના પ્રતિનિધિમાં વિરોધાભાષ સ્પષ્ટ દેખાય છે કે તે પૂર્વ પાકિસ્તાન(હાલનું બાંગ્લાદેશ)માં નરસંહારનો શરમજનક ઇતિહાસ ધરાવે છે.આ માટે તેને કોઇ જવાબદારી સ્વીકારી નથી કે તેના માટે થોડો પણ પસ્તાવો વ્યક્ત કર્યો નથી.યુએન સિક્યોરિટી કાઉન્સિલના આંતરરાષ્ટ્રીય કાયદાના ગંભીર ઉલ્લંઘનના કિસ્સામાં જવાબદારી અને ન્યાયને મજબૂત કરવાના ઓપન સેશનમાં પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.આ પછી ભારતના પ્રતિનિધિએ આ તીખી પ્રતિક્રિયા આપી હતી.તેમણે જણાવ્યું હતું કે કોઇ દેશ નરસંહાર અને ધાર્મિક હિંસાના ગંભીર ગુનાઓની જવાબદારીમાંથી કેવી રીતે છટકી જાય તેનું પાકિસ્તાનના પ્રતિનિધિ સિક્યોરિટી કાઉન્સિલને જીવંત ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે.આ મુદ્દે પાકિસ્તાનને આત્મચિંતન માટે કહેવાનું કદાચ વધુ પડતું ગણાશે,કારણ કે તે ક્યારેય આવું કરી શકશે નહીં.પાકિસ્તાનની આર્મીએ કરેલા નરસંહારમાં મહિલાઓ,બાળકો, શિક્ષણવિદો અને બૌદ્ધિકોનો યુદ્ધના હથિયારો તરીકે ઉપયોગ થયો હતો.તત્કાલિન પૂર્વ પાકિસ્તાનના લોકો પર આચરેલા આતંકમાં હજારો લોકોની નિર્મમ હત્યાઓ થઈ હતી અને અનેક મહિલાઓ પર બળાત્કાર થયા હતા.