ચીન અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે

124

બેઇજિંગ : ચીને રવિવારે સફળતાપૂર્વક ત્રણ અવકાશયાત્રીઓના ક્રૂને છ મહિનાના મિશન પર અવકાશમાં મોકલ્યા છે જેનો હેતુ પોતાની ભ્રમણકક્ષામાં ફરતા સ્પેસ સ્ટેશનના નિર્માણ કાર્યને પૂર્ણ કરવાનો છે. અવકાશયાત્રીઓ ચેન ડોંગ,લિયુ યાંગ અને કાઈ શુઝે સાથેના શેનઝોઉ-14 અવકાશયાનને ઉત્તર-પશ્ચિમ ચીનના જીયુક્વાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.મિનિટો પછી,પૃથ્વી પરના કંટ્રોલ રૂમના અધિકારીઓએ મિશનને સફળ રહ્યાનું જાહેર કર્યું હતું અને અહેવાલ આપ્યો હતો કે અવકાશયાન તેની નિયુક્ત ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે.

ત્રણ અવકાશયાત્રીઓ તિઆંગોંગ સ્પેસ સ્ટેશનનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવા માટે ગ્રાઉન્ડ ટીમ સાથે સહયોગ કરશે.તેને સિંગલ-મોડ્યુલ સ્ટ્રક્ચરમાંથી ત્રણ-મોડ્યુલ નેશનલ સ્પેસ લેબોરેટરીમાં વિકસાવવામાં આવશે, જેમાં મુખ્ય(કોર)મોડ્યુલ ટિઆન્હે અને બે લેબોરેટરી મોડ્યુલ-વેન્ટિયન અને મેંગટિયન હશે.લોન્ચનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરાયું હતું.ચીન માનવયુક્ત અંતરીક્ષ એજન્સી CMSA)ના ડેપ્યુટી ડિરેક્ટર લિન શિકિયાંગે શનિવારે જાહેરાત કરી હતી કે આ મિશન અંતરીક્ષ સ્ટેશનને રાષ્ટ્રીય અંતરીક્ષ વેધશાળામાં પરિવર્તિત કરશે.લિને પ્રી-લોન્ચ જણાવ્યું હતું કે શેનઝોઉ-14થી ઉડાન ભરી રહેલા અવકાશયાત્રીઓ કોર મોડ્યુલ સાથે બે લેબોરેટરી મોડ્યુલનું નિર્માણ પૂર્ણ કરવા માટે ગ્રાઉન્ડ ટીમ સાથે કામ કરશે.

Share Now