સુરત : પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મિલમાં શનિવારે રાત્રે ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઇ હતી.જેથી સ્થાનિક લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરા જીઆઈડીસી ખાતે સ્ટેટ બેંક પાસે આવેલી અમીન સિલ્ક મિલમાં શનિવારે રાત્રે આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઇ હતી.આગે ગંભીર સ્વરૃપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડયા હતા.આ અંગે ફાયર બિગ્રેડને જાણ થતા ભેસ્તાન,માનદરવાજા,મજૂરા ગેટ,ડુંભાલ,ડિંડોલી અને અડાજણ ફાયર સ્ટેશનની 12 ગાડીઓ સાથે 50થી વધુ ફાયર જવાનો,ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ,ફાયર ઓફિસર ઓમપ્રકાશ મિશ્રા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.અને આજુબાજુની કંપનીઓ સુધી આગ ફેલાય નહીં તે રીતે સતત ફાયર ફાઈટિંગ કરતા હતા.ત્રણ થી સાડા ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.મોડી રાતે અઢી વાગ્યે ફાયર ગાડીઓ ત્યાંથી પરત ગઇ હતી.જયારે મિલમા આગના લીધે મોટા પ્રમાણ ગ્રે કાપડનો જથ્થો,મશીનરી,વાયરરીંગ સહિતની ચીજવસ્તુઓ આગમાં બળી ગઇ હતી.સદ્નસીબે કોઈને ઇજા કે જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સુત્રોએ જણાવ્યું હતુ.