અલથાણ ખાતે પાણીની લાઇનમાં ભંગાણ આજેત્રણ ઝોનમાં પાણી પુરવઠોખોરવાશે

123

સુરત : સુરત મહાનગરપાલિકાની પાણીનું વહન કરતી ૧૦૦૦ એમ.એમની સરથાણા-અલથાણની મુખ્ય લાઇનમાં ભંગાણ પડ્યું છે.છેલ્લા ૧૨ કલાકથી આ ભંગાણ રીપેર કરવા માટે મ્યુનિ.તંત્ર કામગીરી કરી રહી છે અને હજી ૧૨ કલાક કામગીરી ચાલશે.આ ભંગાણના કારણે ત્રણ ઝોનમાં રહેતા ૧૫થી ૨૦ લાખ લોકો આવતીકાલે સોમવારે પાણી પુરવઠાથી વંચિત રહે તેવી શક્યતા છે. .

સુરત મ્યુનિ.ની સરથાણાથી અલથાણ જતી પાણીની લાઈનમાં અલથાણ ખાતે આજે વહેલી સવારે ભંગાણ પડ્યું હતુ.૧૦૦૦ એમ.એમ.ની પાણીની લાઈન ૧૪ ફૂટ ઊંડે જમીનમાં છે,તેમાં ભંગાણ પડ્યું છે. સવારથી મ્યુનિ.ના હાઇડ્રોલિક વિભાગ અને અઠવા ઝોનનો સ્ટાફ ભંગાણ શોધવા સાથે પાણીનો ભરાવો થયો છે તેના ડિવોટરીંગ માટે કામગીરી કરી રહ્યો છે.વહેલી સવારથી શરૂ થયેલી કામગીરી ૧૨ કલાક બાદ પણ ચાલુ જ છે અને આગામી ૧૨ કલાક સુધી ચાલે તેવી શક્યતા છે.

મોટી લાઈનમાં ભંગાણ હોવા ઉપરાંત લાઈન ૧૪ ફૂટ નીચે જમીનમાં હોવાથી ભંગાણ શોધવા સાથે રીપેરીંગની કામગીરી મુશ્કેલ બની રહી છે.આ ભંગાણના કારણે આવતીકાલે સમગ્ર અઠવા ઝોન વિસ્તારમાં પાણી પુરવઠો નહીં મળે ઉપરાંત સેન્ટ્રલ અને ઉધના ઝોનમાં પણ પાણી પુરવઠો નહીં મળે તેવી શક્યતા છે.ભંગાણને કારણે પાણીનો ભરાવો થતાં તેનું ડિવોટરીંગ કરવા સાથે રીપેરીંગ યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે.મ્યુનિ.તંત્ર સોહમ સર્કલ,ભટાર ચાર રસ્તા અને ખટોદરા ખાતેથી ડીવોટરીંગની કામગીરી કરી રહ્યું છે.હાઈડ્રોલિક,ડ્રેનેજ વિભાગના તમામ પમ્પ સાથે ઈજારદારના ડિવોટરીંગ પમ્પ પણ કામે લગાવી દેવામાં આવ્યા છે.તેમ છતાં પમ્પ ઓછા પડતા મ્યુનિ.એ વલસાડ ખાતેથી ડિવોટરીંગ પમ્પ મંગાવી કામગીરી હાથ ધરી છે.લાઈન ઊંડાઈમાં હોવાથી કામગીરી વહેલી સવાર સુધી ચાલશે.

Share Now