સુરત : રવિવાર : સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં નિંદ્રાધીન બે સંતાનની માતા અને તેના પુત્રના ગળે છરો મુકી લાજ લેવાનો પ્રયાસ કરતા મામલો જહાંગીરપુરા પોલીસમાં પહોંચ્યો છે.જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી નઝમા(ઉ.વ.24 નામ બદલ્યું છે)ગત રાતે જમ્યા બાદ બે સંતાન સાથે બેડરૂમમાં સુઇ ગઇ હતી.રાતે 3 વાગ્યે પુત્ર રડતો હોવાથી નઝમા ઉઠી ગઇ હતી ત્યારે તેની નજર રૂમમાં પતિના મિત્ર રાશીદ મેહબુબ પઠાણ(રહે.બિલ્ડીંગ નં.21,રૂમ નં.1,એસએમસી આવાસ,સાંઇવીલા સામે,જહાંગીરપુરા)પર પડતા ચોંકી ગઇ હતી.નઝમા કંઇ સમજે તે પહેલા રાશીદે છરો વડે પુત્ર અને ત્યાર બાદ નઝમાને બાનમાં લઇ તું અગર ચિલ્લાઇ તો મેં ઇસકો ખતમ કર દુંગા એવી ધમકી આપી હતી.ત્યાર બાદ નરાધમ રાશીદે નઝમાને શારિરીક અડપલા કર્યા હતા.પરંતુ નઝમાએ હિંમ્મત દાખવી રાશીદને પેટના ભાગે લાત મારી હતી.રાશીદને પેટમાં ઇજા થતા છરો લઇ ત્યાંથી ભાગી ગયો હતો.રાશીદ પુનઃ આવશે તેવા ડરથી નઝમાએ દરવાજો અંદરથી બંધ કરી મુંબઇ ખાતે હોટલમાં વેઇટર તરીકે નોકરી કરતા પતિને ફોન કર્યો હતો.પરંતુ રાતનો સમય હોવાથી પતિએ ફોન રિસીવ કર્યો ન હતો.સવારે ધાબા પરથી સાસુ નીચે આવ્યા ત્યારે પતિના મિત્રની કરતૂતની જાણ કરી હતી અને જહાંગીરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા રાશીદની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.