અમદાવાદ : રવિવાર,5 જુન,2022 : દેશના મહારાષ્ટ્ર અને કેરાલા જેવા રાજયોનાં શહેરોમાં કોરોના સંક્રમણમાં વધારો થયા બાદ અમદાવાદમાં એની અસર જોવા મળી રહી છે.એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના નવા ૪૨ કેસ નોંધાયા છે.મુંબઈ ઉપરાંત કેરાલા સહિતના સ્થળોએ જઈ પરત આવેલા લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સના અભાવે હજુ કેસ વધવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.અમદાવાદમાં ૪ જુનના રોજ કોરોનાના ૨૬ કેસ નોંધાયા હતા.પાંચ જુને એક જ દિવસમાં કોરોનાના નવા ૪૨ કેસ નોંધાવા પામતા વધેલા કેસ તંત્ર માટે ચિંતાનો વિષય બનવા પામ્યા છે.૪ જુને કોરોનાના નોંધાયેલા ૨૬ કેસ સામે ૧૮ દર્દી સાજા થયા હતા.પાંચ જુને દૈનિક કેસમાં ૧૬ કેસનો વધારો થતા નવા ૪૨ કેસ નોંધાયા હતા.જેની સામે ૧૪ દર્દી સાજા થયા હતા.આમ નવા વધેલા કેસની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા પણ ઘટવા પામી છે.એક મહિના પહેલા શહેરના એન.આઈ.ડી.કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થતા કુલ ૪૯ કોરોનાના કેસ નોંધાતા કેમ્પસને મ્યુનિ.તંત્રે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવુ પડયુ હતું.
શહેરમાં ચિંતાજનક રીતે વધી રહેલા કેસ પાછળ અન્ય રાજયોમાં જઈ પરત આવતા લોકો સંક્રમિત થતા હોવા ઉપરાંત લોકો હવે કોરોના ગયો એમ માનીને માસ્ક પહેરતા ના હોવા ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ પણ જળવાતુ ના હોવાનાંમુખ્ય કારણ છે.હાલમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.દ્વારા કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા કરાઈ હોવાછતાં લોકો ટેસ્ટ કરાવવા જતા નથી.બીજી તરફ કોરોના વેકિસન લેનારાઓની સંખ્યા પણ ઘટી રહી છે.જો આ સ્થિતિ લાંબો સમય રહેશે તો કોરોનાના કેસ ફરી વધવાની સંભાવના હોવાનું પણ મ્યુનિ.સૂત્રોનું કહેવું છે.પાંચ દિવસમાં શહેરમાં ૧૪૨ કોરોનાના કેસ નોંધાયા
અમદાવાદમાં પહેલી જુને કોરોનાના ૨૧,બીજી જુને ૨૭,ત્રીજી જુને ૨૬,ચોથી જુને ૨૬ અને પાંચ જુને ૪૨ એમ કુલ મળીને પાંચ દિવસમાં કોરોનાના ૧૪૨ કેસ નોંધાયા છે.નવા કેસ વધવા પાછળ એક કારણ એ પણ જાણવા મળ્યુ છે કે,જે લોકોને બહારના રાજયોમાં જવાનુ હોય છે એવા લોકો કોરોના ટેસ્ટ કરાવે છે એ સમયે એ કોરોના પોઝિટિવ હોવાની જાણ થતી હોય છે.જો કે મોટાભાગના કેસ હળવા લક્ષણો અથવા તો એસિમ્પટોમેટિક હોવાનું જાણવા મળ્યુ છે.