ભારતની કેરી પહેલી જ વાર દરિયાઇ માર્ગે અમેરિકા રવાના

109

મુંબઇ : ભારતથી કેરીઓને વિમાનમાર્ગે પરદેશ મોકલવાનું પોષાતું ન હોવાથી પહેલી જ વખત દરિયાઇ માર્ગે કેરીની ખેપ એમેરિકા રવાના કરવામાં આવી છે.અત્યાર સુધી એરકાર્ગોમાં કેરીની નિકાસ થતી હતી. એટલે કેરીની ઉત્પાદકોએ વિમાનખર્ચને પહોંચી વળવા ભાવ વધારવો પડતો હતો.આથી કેરીની નિકાસમાં ભારત અન્ય દેશોની સ્પર્ધામાં પાછળ પડી જતું હતું.આથી પહેલી જ વાર શુક્રવારે સમુદ્રી માર્ગે કેરીની અમેરિકા નિકાસ કરવામાં આવી હતી.

ભાભા એટમિક રિસર્ચ સેન્ટર,મહારાષ્ટ્ર રાજ્ય કૃષિ પણન(માર્કેટિંગ)મંડળ અને અન્યોના સહ્યોગથી આ નિકાસ કરવામાં આવી હતી.ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના બાયોસાયન્સ વિભાગના સંચાલિક ડૉ.ટી.કે. ઘંટીએ કેરીની નિકાસ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કૃષિમાલની નિકાસ અને આ માલ બગડે નહીં એ રીતે તેની જાળવણીની ક્ષમતા વધારવા ભાભા એટમિક રિસર્ચ સેન્ટર રાજ્યના કૃષિ માર્કેટિંગ મંડળને બનતી બધી જ મદદ કરશે.

બી.એ.આર.સી.કૃષિ પણન મંડળ અને અપેડાએ સંયુક્ત રીતે દરિયાઇ માર્ગે કેરીની નિકાસ માટે ૨૦૧૯માં પ્રયોગ કર્યો હતો.આ પ્રયોગમાં કેરી ઉપર ગરમ પાણીની પ્રક્રિયા,ભાભાએ વિકસિત કરેલી કેરીની સેલ્ફ-લાઇફ વધારતી ઠંડા પાણીની રાસાયણિક પ્રક્રિયા,વિકરણ પ્રક્રિયા અને કેરીના માલને કોલ્ડસ્ટોરેજમાં રાખ્યા બાદ ખાસ પ્રકારના કન્ટેનરમાં રાખવામાં આવ્યો હતો.આ કંટેનરને જ્યારે ૩૮ દિવસ પછી ઉધાડવામાં આવતા એક પણ કેરી બગડી નહોતી.આ સફળતા બાદ આ વર્ષે ૩૦મી મેથી કેરી ઉપર તમામ પ્રકારની પ્રક્રિયા કરી જંતુમુક્ત કરી તબક્કાવાર કોલ્ડસ્ટોરેજમાં રાખવાની શરૂ કરવામાં આવી હતી.આખરે ત્રીજી જૂને ૧૬,૫૬૦ કિલો કેરી ખાસ પ્રકારના કન્ટેનરમાં ભરી માલવાહક જહાજમાં અમેરિકા રવાના કરવામાં આવી હતી.

Share Now