એક નાનકડા દેશ સામે સરકારે ઘૂંટણીયા ટેકવી દીધા, આ ભારતની વિદેશનીતિનું પતન છે, સુબ્રમણ્યમ સ્વામીના ચાબખાં

240

– ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના બે પ્રવક્તાઓને સસ્પેન્ડ કરી દીધા
– સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકાર પર કર્યા આકરા પ્રહારો

પયગંબર મોહમ્મદ વિશે કથિત રીતે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ભાજપમાંથી નુપુર શર્મા અને નવીન જિંદાલને સસ્પેન્ડ કરવાનો મામલો જોર પકડી રહ્યો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આ અંગે પોતાની જ પાર્ટીની સરકારને ઘેરી હતી. સ્વામીએ ટ્વીટ કરીને આરોપ લગાવ્યો કે, કેન્દ્ર સરકારે નાના દેશ કતરની સામે ઘૂંટણીયા ટેકવી દીધા છે.

સ્વામીએ મોદી સરકારને રીતસરની આડે હાથ લીધી

ભાજપના બે નેતાઓને સસ્પેન્ડ કરવા પર ગુસ્સે ભરાયેલા સુબ્રમણ્યમ સ્વામી અહીંથી ન અટક્યા,તેમણે તેમના સમગ્ર આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા.સ્વામીએ આરોપ લગાવ્યો કે, મોદી સરકારના કાર્યકાળમાં ભારત માતાએ શરમથી માથું ઝુકવું પડ્યું હતું.આપણે લદ્દાખમાં ચાઈનીઝ સામે નાક રગડતા રહ્યા,રશિયા સામે ઘૂંટણિયે પડતા અને ક્વાડમાં અમેરિકનો સમક્ષ આજીજી કરતા જોવા મળ્યા હતા.હવે આપણે નાના દેશ કતર સામે પણ દંડવત કરવું પડી રહ્યું છે.આ આપણી વિદેશ નીતિનું પતન છે.

કતારના પ્રેશરમાં આવીને ભાજપે કાર્યવાહી કરી હોવાનો દાવો

હકીકતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, કતરના દબાણમાં આવીને ભાજપે પોતાની પાર્ટીના બે નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે.નૂપુર શર્મા અને નવીન જિંદાલ પર ભૂતકાળમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક વાતો કરવાનો આરોપ છે.ભારતના મુસ્લિમો સહિત ઘણા આરબ દેશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.નુપુર શર્માએ પોતાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ફજેતો થતાં માફી માંગવી પડી હતી.

ઘણા દેશોમાં ભારતીય રાજદૂતને બોલાવવામાં આવ્યા

રવિવારે કતાર,કુવૈત અને ઈરાને ભારતીય રાજદૂતોને બોલાવીને વિવાદાસ્પદ ટીપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને કડક કાર્યવાહીની માંગ કરી હતી.ભારતે આ દેશોને કહ્યું છે કે આવી ટિપ્પણીઓ સરકારનો વિચાર નથી અને આવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.રાજદૂતે તેમને કહ્યું કે, આ કોઈપણ રીતે ભારત સરકારની ભાવના નથી.એવું હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોએ કહ્યું છે.ભારત વિવિધતામાં એકતાના સાંસ્કૃતિક વારસાના આધારે તમામ ધર્મોને સર્વોચ્ચ સન્માન આપે છે. આવી ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.સંબંધિત સંગઠને એક નિવેદન બહાર પાડીને તમામ ધર્મોનું સન્માન કરવા અને કોઈપણ ધર્મના વ્યક્તિના સન્માનને ઠેસ પહોંચાડવાના પગલાની નિંદા કરી છે.

Share Now