બારડોલી : કેન્દ્ર સરકારના અતિ મહત્વાકાંક્ષી ગણાતા બુલે ટ્રેન પ્રોજેકટની કામગીરી પુરજોશમાં આગળ વધી રહી છે ત્યારે સોમવારના રોજ કેન્દ્રના રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ કામગીરીની સમિક્ષા માટે સુરત પહોંચ્યા હતા.તેમણે જિલ્લાના અંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સહિત અલગ અલગ સાઇટ્સની મુલાકાત લઈ કામગીરીની સમિક્ષા કરી હતી.તેમની સાથે સુરતના સાંસદ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોષ પણ જોડાયા હતા.દક્ષિણ ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે.નેશનલ હાઇ સ્પીડ રેલ્વે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ચાલી રહેલી કામગીરીની વખતો વખત ઉચ્ચ કક્ષાના પ્રધાનો અને અધિકારીઓ મુલાકાત લેતા રહ્યા છે.ત્યારે હાઇસ્પીડ રેલ્વે સ્ટેશન પણ સુરતમાં બની રહ્યું હોય કેન્દ્રિય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરતમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે આજરોજ સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વક્તાણા ગામે,ભાટિયા ટોલ પ્લાઝા પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડ(@ Ch.૨૫૪)ની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.ના મેનેજિંગ ડિરેક્ટરશ્રી સતિષ અગ્નિહોત્રીએ કેન્દ્રીય રેલવે મંત્રીશ્રીને ૨૨ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલા સેગમેન્ટલ કાસ્ટિંગ યાર્ડની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.રેલવેમંત્રી એ નિર્માણાધીન અંત્રોલી રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી.કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પણ આ મુલાકાતમાં જોડાયા હતા.આ પ્રસંગે રેલવે મંત્રીએ ઉપસ્થિત શ્રમિકોનો ઉત્સાહ વધાર્યો હતો,તેઓને સંબોધતા તેમણે જણાવ્યું કે,દેશના કોઈ પણ ખૂણે કામ કરતાં શ્રમિકો’વન નેશન,વન રેશન’યોજના હેઠળ કામના સ્થળે અનાજ મેળવી શકે છે.વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં સેવા અને સર્વના વિકાસની ભાવના સાથે કેન્દ્ર સરકાર કાર્યરત છે એમ જણાવી હાઈસ્પીડ રેલવેની કામગીરીને નિયત સમયમાં આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું એમ ઉમેર્યું હતું.
તેમણે સૌ શ્રમિકોને કોરોના વેક્સિન ન મૂકાવી હોય તો સત્વરે મૂકાવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે એલ.એન્ડ ટી.ના એન્વાયરો.,હેલ્થ અને સેફ્ટીના હેડ નાઈઝલ સહિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.પ્રોજેકટની મુલાકાત દરમ્યાન મંત્રીએ જણાવ્યુ હતું કે,અમદાવાદ મુંબઇ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેકટનું કામ ખુબ જ ઝડપથી થઈ રહ્યું છે.અત્યાર સુધીમાં 61 કિલોમીટર સુધીમાં પિલર્સ ઊભા કરી દેવામાં આવ્યા છે.લગભગ 150 કિમી પર એક સાથે કામ ચાલી રહ્યું છે.રેલ્વેની ચાલી રહેલી કામગીરી જોતાં દેશના વડાપ્રધાને જોયેલા 130 કરોડ ભારતીયોનું સ્વપ્ન સાકાર થતું નજરે પડી રહ્યું છે.તેમણે કહ્યું કે 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી બુલેટટ્રેન ચલાવવાનું લક્ષ્યાંક છે.કામની પ્રગતિ જોતાં અમારું આ લક્ષ્યાંક અવશ્ય પૂરું થશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.તેમણે કામગીરીને લઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.