સુરત : સુરત મ્યુનિ.ની સામાન્ય સભા આજે અડધો કલાકમાં આટોપાઇ ગઇ હતી.વિપક્ષે પ્લેકાર્ડ પ્રદર્શીત કરી અમને બોલવા દો એમ માંગણી શરૂ કરી દીધી હતી.જેથી મેયરે એકસાથે ૯૬ કામ મુવ કરીને મંજુર કરી દેતા વિપક્ષના સભ્યો વોકઆઉટ કરીને જતા રહ્યા હતા.સુરત,સોમવાર ભાજપની સંકલન બેઠકમાં આમેય આજની સભા ૩૦ મિનિટમાં પુર્ણ કરી દેવા નક્કી કરાયું તેમાં વિપક્ષનો સહકાર પણ મળી ગયો હતો.સુરત મ્યુનિ.ની ૩૧ એપ્રિલ ની મુલત્વી રહેલી સામાન્ય સભા આજે કરવામાં આવી હતી.આજે શહેરમાં કેન્દ્રીય રેલ મંત્રી હોવાથી ભાજપના પદાધિકારીઓ અને કોપીરેટરોએ ભાજપ કાર્યાલય પહોંચવાનું હતું.જેના કારણે ત્રીસ મીનીટમાં જ સભા પુરી કરવા માટે સંકલને બેઠકમાં નક્કી કરાયું હતું.સભાના ઝીરો અવર્સ અને પ્રશ્નોત્તરી ૧૫-૧૫ મિનિટ કરી દેવામાં આવી હતી.ગત સભામાં વિપક્ષી નેતાએ શ્રદ્ધાંજલિ આપી ન હતી પરંતુ આ સભામાં શ્રદ્ધાંજલિ આપી હતી.
ઉપરાંત સામાન્ય સભામાં પ્રશ્ન પુછાય છે તેનો જવાબ અપાય તેવી વિપક્ષે માંગણી કરી હતી.તેમજ પ્લે કાર્ડ લઈને વિપક્ષને બોલવા દો તેવી માગણી શરૂ કરી દીધી હતી.ડાયસ પરથી કમિશ્નરે હવે પછી તમારા પ્રશ્નોના જવાબ આપી દેવાશે કહ્યું હતું.ત્યારબાદ વિપક્ષના સભ્યોએ જવાબ કેમ નથી અપાતા,ક્યારે અપાશે તેવા પ્લેકાર્ડ પ્રદર્શીત કર્યા હતા.જેથી મેયેર બેવાર તેમને બેસી જઇ ચર્ચામાં ભાગ લેવા કહ્યું હતું.પણ વિપક્ષે વિરોધ પ્રદર્શન ચાલુ રાખતા મેયરે ૧થી ૯૬ નંબરના તમામ કામો એકસાથે મુવ કરી મંજુર કરી દીધા હતા.તે સાથે વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કરી દીધો હતો.કેન્દ્રીય મંત્રી સુરતમાં હોવાથી ભાજપના પદાધિકારીઓને ઝડપથી કાર્યાલય પહોંચવા સૂચના અપાતી સાંભળવા મળી હતી.દરમિયાન આમ આદમી પાર્ટીના કેજરીવાલ આજે ગુજરાતમાં હોવાથી વિપક્ષના સભ્યો ત્યાં હાજર રહેવા માંગતા હતા.પણ મ્યુનિ.ની સામાન્ય સભા ઇરાદાપુર્વક આજે રાખવામાં આવી હોવાનો બળાપો પણ સાંભળવા મળ્યો હતો.