મુંબઈ : દેશભરમાં કેબમાં પોતાની ચીજ વસ્તુઓ ભૂલી જતા પ્રવાસીઓમાં મુંબઈગરા દેશમાં સૌથી મોખરે છે.બીજીતરફ સૌથી વધુ ભુલી જવાતી ચીજોમાં મોબાઈલ અને લેપટોપ સૌથી ટોચના ક્રમે છે.એક ખાનગી કેબ કંપનીએ તેને ૨૦૨૨નો લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઈન્ડેક્સ પ્રગટ કર્યો છે તે મુજબ મુંબઈ ફરી એકવાર સૌથી ભૂલકણા શહેર તરીકે ઊભરી આવ્યું હતું પણ દિલ્હી અને લખનઉ પણ વધુ પાછળ નહોતા.
છેલ્લા એક વર્ષ દરમ્યાન સમગ્ર દેશમાં ટેક્સી સવારો જે સૌથી વધુ વસ્તુઓ ભૂલી ગયા હતા તેમાં ફોન,સ્પીકરો અથવા હેડફોન્સ,પાકીટ અને બેગ જેવી વસ્તુઓ સામેલ હતી જ્યારે અનાજ,થર્મોસ,પાણીની બોટલો અને ફોન ચાર્જરો તેના પછીના ક્રમે હતા.આવી દૈનિક ધોરણે વપરાતી વસ્તુઓ ઉપરાંત પ્રવાસીઓ મીઠાઈ,વાંસળી,આધાર કાર્ડ,ડમ્બબેલ્સ,બાઈકનું હેન્ડલ,ક્રિકેટના બેટ,સ્પાઈક ગાર્ડ્સ અને કોલેજના સર્ટિફિકેટ જેવી અનોખી વસ્તુઓ પણ ભૂલી ગયા છે.કેબના સંચાલકો કબૂલ કરે છે કે વસ્તુઓ ભૂલી જવાથી અથવા ખોવાઈ જવાથી પ્રવાસીઓ ટેન્શનમાં આવી જાય છે.જ ોકે, કેબ એપ્સ દ્વારા તેઓ પોતાની ખોવાયેલી વસ્તુ પાછી મેળવવા સંપર્ક કરી શકે છે.કપડાં અને અનાજ પણ ભૂલી જતા પ્રવાસીઓ
ઈન્ડેક્સ મુજબ સૌથી વધુ ભૂલાતી વસ્તુઓમાં ફોન અથવા કેમેરા,લેપટોપ,બેકપેક,પાકીટ,સ્પીકર,કપડા,અનાજ,રોકડ,પાણીની બોટલ,હેડફોન્સ મુખ્ય છે જ્યારે મુંબઈ,દિલ્હી એનસીઆર,લખનઉ,કોલકતા ટોચના ચાર ભૂલકણા શહેરોમાં સ્થાન પામ્યા છે.રસપ્રદ બાબત છે કે ૨૦૨૨માં સૌથી વધુ વસ્તુઓ ૨૫ માર્ચ,૨૪ માર્ચ,૩૦ માર્ચ,૩૧ માર્ચ,૧૭ માર્ચના દિવસે ભૂલાઈ છે,જ્યારે ઈન્ડેક્સ મુજબ શનિવારે લોકો વધુ કપડા ભૂલે છે,બુધવારે લેપટોપ,રવિવારે પાણીની બોટલ જ્યારે સોમવારે હેડફોન્સ અથવા સ્પીકરો સૌથ વધુ ભૂલાતા હોય છે.ઉલ્લેખનીય છે કે શુક્રવારે વધુ વસ્તુઓ નથી ભૂલાતી.ઉપરાંત દિવસ દરમ્યાન બપોરે ૧ ક. થી ૩ ક.સુધીમાં સૌથી વધુ વસ્તુઓ ભૂલાય છે.સામાન્ય વસ્તુઓ ઉપરાંત ઘેવર મીઠાઈ,સ્ટિકરો,કેક,કેરી,આધાર કાર્ડ,ડમ્બબેલ વજન,કોલેજના સર્ટિફિકેટ,ક્રિકેટ બેટ,સ્પાઈક ગાર્ડ,બાઈક હેન્ડલ,કાળા કવરમાં વાંસળી જેવી અનોખી વસ્તુઓ વધારે પ્રમાણમાં ભૂલાઈ છે.