સુરત : બહારગામના વેપારીઓ તરફથી પેમેન્ટ ધીરે ધીરે છૂટાં થઈ રહ્યાં છે.જોકે,કાપડ બજારમાં ફિનિશ્ડની નવી ખરીદીની શરૃઆત પણ થઈ છે.બહારગામથી વેપારીઓએ આવવાનું શરૃ કરી દીધું છે.જેઠ મહિનામાં લગ્નનો પ્રમાણમાં ઓછા હોય છે.પરિણામે વેપારની દ્રષ્ટિએ કામકાજ પણ ખૂબ જ મર્યાદિત થઈ જાય છે.અષાઢ પછી સારી ઘરાકી નીકળવાની આશા વેપારીઓને છે.કેમકે,વૈશાખ મહિનામાં ફરી લગ્નસરાની સિઝન શરૃ થઈ જાય છે.ત્યાર પછી શ્રાવણને કારણે તહેવારો ચાલુ થઈ જતાં હોય છે,એમ કાપડ બજારના એક વેપારીએ જણાવ્યું હતું
જૂનના બીજા પખવાડિયાથી કામકાજમાં ગતિ આવવાની આશા એટલાં માટે પણ જાગી છે કે,બહારગામના વેપારીઓ ફરી માર્કેટમાં દેખાવા માંડયા છે.એક બે દિવસથી સારી ઘરાકી નીકળી છે અને તેની સાથે સાથે વેપારીઓના પેમેન્ટ પણ આવવાના શરૃ થઇ ગયાં છે.રમજાનની ખરીદી વખતના પેમેન્ટ મોટાભાગના વેપારીઓના આવી ગયાં છે.પેમેન્ટ છુટાં થવા માંડયા હોવાથી વેપારીઓને મોટી રાહત મળી છે. પેમેન્ટ મોડાં થતાં હોવાને કારણે કાપડ બજારના વેપારની આખી સાઇકલને બ્રેક લાગી જતી હતી.આગામી સિઝનનો લાભ લેવા માટે રિટેઇલરોએ પણ નવી ખરીદી શરૃ કરવી પડે એમ છે અને તેના માટે જૂના પેમેન્ટો ક્લિયર કરવા પડે છે.