
અમદાવાદ : શહેરના ચાંદખેડા,રાણીપ અને સાબરમતી વિસ્તારમાં પાણીની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને લઈને કોર્પોરેશન દ્વારા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 200 એમ.એલ.ડી.નો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેમાં 2200 મીમી વ્યાસની મેઈન લાઈન શીફ્ટ કરવાની કામગીરી કરવાની હોવાથી બે દિવસ સુધી પાણી કાપ સહન કરવો પડે તેવી સ્થિતીનું નિર્માણ થશે.10 જૂનના રોજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શટડાઉન કરી કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી 10 જૂન અને 11 જૂનના રોજ પાણીનો પુરવઠો મળશે નહીં.ત્યારબાદ 11 જૂનના રોજ સાંજના સમયે પુરવઠાની ઉપલબ્ધતાના આધારે પાણીનું વિતરણ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ઈજનેર વોટર પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં ઉત્તર પશ્ચિમ ઝોન,દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા-મોટેરા,સાબરમતી અને રાણીપ વિસ્તારમાં પાણીની ભવિષ્યની જરૂરીયાતને ધ્યાને લઈને જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 200 એમ.એલ.ડી.ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામમાં 2200 મીમી વ્યાસની ક્લીયર વોટર ટ્રંક મેઈન લાઈન શીફ્ટ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.આ કામગીરીને લઈને ઈજનેર વિભાગ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
મેઈન લાઈન શિફ્ટ કરવાની કામગીરી જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં 10 જૂનના રોજ શટડાઉન લઈને કરવાની હોવાથી શહેરના ઉત્તર પશ્ચિમ ઝોન,દક્ષિણ પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનના ચાંદખેડા-મોટેરા અને રાણીપ વોર્ડના જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ આધારીત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાંથી 10 જૂન તથા 11 જૂનના રોજ પાણી પુરવઠો આપી શકાશે નહીં.જ્યારે 11 જૂનના રોજ સાંજથી પાણીનો સપ્લાય પાણીની ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કોર્પોરેશનના ઈજનેર વિભાગ દ્વારા કરવામાં આવી છે.