રામોલમાં સોસાયટીના કોમન પ્લોટના ટોઇલેટને કમિટી મેમ્બરે વિદેશી દારૂનું ગોડાઉન બનાવ્યું

148

અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ- જુગારના તમામ અડ્ડા બંધ કરાવી દેવા માટે પોલીસ કમિશર સંજય શ્રીવાસ્તવ કટીબદ્ધ છે ત્યારે જ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે નજીક તુલસી પાર્ક સોસાયટીના કમિટી મેમ્બરે કોમન પ્લોટમાં આવેલા ટોઇલેટને જ દારૂનું ગોડાઉન બનાવી દીધું હતું.તેની વિગતો પીસીબી ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને મળતાં તેમણે દરોડો પાડીને ગોડાઉનમાંથી ૨૬૮ પેટી વિલાયતી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.સોસાયટીના કમિટી મેમ્બર નજીક કોમન ટોઇલેટની ચાવી હોવાથી તે ટોઇલેટમાં દારૂ છૂપાવતો હતો અને લક્ઝુરીયસ કારમાં તેની ડિલિવરી આપતો હતો.પીસીબીએ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

ડીજી વિજિલન્સમાં કે.ટી.કામરીયા અને નિર્લિપ્ત રાયની એન્ટ્રી થતાં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં દારૂ-જુગારના અડ્ડાઓ લગભગ બંધ થઇ ગયા હતા ત્યારે જ સતત દોડાદોડી વિજિલન્સની ટીમ થાકી ગઇ હોય તેમ દરોડાનું પ્રમાણ ઘટ્યું છે.તેથી હવે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ધીરે ધીરે દારૂ-જુગારના અડ્ડા ધમધમતા થઇ ગયા છે.

આ પરિસ્થિતિનો લાભ લઇ બૂટલેગર ટુકડીએ વિલાયતી દારૂનો મોટાપાયે વેપલો શરૂ કરી દીધો હતો.એક્સપ્રેસ હાઇવે નજીક તુલસી પાર્ક સોસાયટીમાંથી દારૂનું વિતરણ થઇ રહ્યું હોવાની વિગતો પીસીબી ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને મળી હતી.જેની ખરાઇ કરાવ્યા બાદ તેમણે ટીમને દરોડાના આદેશ આપ્યા હતા.પોલીસે સોસાયટીના કોમન પ્લોટના ટોઇટેલમાંથી ૨૬૮ પેટી વિલાયતી દારૂ ઝડપી લીધો હતો. સોસાયટીના કમિટી મેમ્બર એવા બૂટલેગર ઉપેન્દ્ર ઉર્ફે ટીનો હરીશભાઇ મહેતા (તુલીસીપાર્ક બંગ્લોઝ,રામોલ)નજીક કોમન પ્લોટના ટોઇલેટની ચાવી રહેતી હોવાથી તેણે ટોઇલેટમાં દારૂ છૂપાવવાનું શરૂ કર્યું હતું. ઉપેન્દ્ર ઉપરાંત તેના સાથીદારો મધુસૂદન તથા પિન્ટુ બળદેવજી રાઠોડને પોલીસે ઝડપી લઇ રામોલ પોલીસના હાવાલે કર્યા હતા.તેમને રાજસ્થાનથી દારૂ મોકલનાર મહારાજને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Share Now