
નવી દિલ્હી : શ્રીલંકામાં છેલ્લા ઘણા સમયથી આર્થિક અને રાજકીય કટોકટી ચાલી રહી છે ત્યારે ભારત જ તેના પાડોશીની મદદે આવ્યું છે.વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ બુધવારે જણાવ્યું હતું કે,ભારત સિવાય કોઇ દેશે શ્રીલંકાને ઇંધણ માટે મદદ કરી નથી.વિક્રમસિંઘેએ IMFને શ્રીલંકાના સહાય કાર્યક્રમને ઝડપથી લાગુ કરવા જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે,શ્રીલંકા ૧૯૪૮માં સ્વતંત્રતા મેળવ્યા પછીના સૌથી કપરા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે તેણે IMFની સહાય લેવાનો નિર્ણય કર્યો છે.આ મુદ્દે વિક્રમ સિંઘે અને IMFના એમડી વચ્ચે ચર્ચા થઈ હતી.શ્રીલંકા અને IMF વચ્ચેની વાટાઘાટ ૧૮ એપ્રિલે શરૂ થઈ હતી.સરકારે ૧૨ એપ્રિલે તમામ વિદેશી ઋણ સસ્પેન્ડ કર્યા પછી શ્રીલંકાએ વિદેશી ઋણના રિસ્ટ્રક્ચરિંગ માટે પગલાં શરૂ કરી દીધા છે.IMFની સહાય માટે આ પૂર્વશરત છે.
વિક્રમસિંઘેએ સંસદમાં જણાવ્યું હતું કે,IMFના એમડી જ્યોર્જિવા સાથે તેમણે મંગળવારે વાત કરી હતી.જેમાં શ્રીલંકાની નાણાકીય જરૂરિયાત અંગે તેમને વાકેફ કરાયા હતા.તેમણે કહ્યું હતું કે,“મેં પ્રક્રિયાને ઝડપી બનાવવા વિનંતી કરી છે કારણ કે અમને ધિરાણની જરૂર છે.અમારી નાણાકીય વ્યવસ્થા અને ડેટ રિસ્ટ્રક્ચરિંગ બંને અંગે વાતચીત થઈ હતી.”
ચીને બુધવારે શ્રીલંકાની મદદ માટે ભારતે કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.જોકે,શ્રીલંકન પ્રેસિડેન્ટ ગોતાબાયા રાજપક્ષેની ટિપ્પણીને ચીને ફગાવી દીધી હતી.રાજપક્ષેએ જણાવ્યું હતું કે,ચીને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયા પરનું વ્યૂહાત્મક ફોકસ દક્ષિણ પૂર્વ એશિયા તરફ ખસેડ્યું છે.ચીને જણાવ્યું હતું કે,દક્ષિણ એશિયા હજુ તેની પ્રાથમિકતા છે.ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને જણાવ્યું હતું કે,“અમે નોંધ્યું છે કે ભારત સરકારે આ મુદ્દે નોંધપાત્ર પ્રયાસ કર્યા છે.અમે તેને બિરદાવીએ છીએ.અમે પણ ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયના અન્ય સભ્યો સાથે મળીને શ્રીલંકાને મદદ કરવા માંગીએ છીએ.”