ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમની આજથી કસોટી

113

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે યોજાનારા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં સર્વશ્રેષ્ઠ ટીમ મોકલવાની ભારતીય ક્રિકેટ પસંદગીકારોની યોજના માટે ગુરુવારથી કસોટીનો પ્રારંભ થઈ જશે કેમ કે હવે રમાનારી કોઈ પણ ટી20 મેચ પર પસંદગીકારોની ચાંપતી નજર રહેશે જેની શરૂઆત ગુરુવારથી શરૂ થઈ રહેલી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી20 સિરીઝ છે.પાંચ મેચની ટી20 સિરીઝનો પ્રારંભ ગરુવારે અહીંના અરૂણ જેટલી સ્ટેડિયમથી થશે.સાંજે 7.00 કલાકે મેચનો પ્રારંભ થશે.જોકે ભારતને મેચ અગાઉ જ આંચકો લાગ્યો છે કેમ કે ટીમનો સુકાની લોકેશ રાહુલ અને સ્પિનર કુલદીપ યાદવ ઇજાને કારણે સિરીઝમાંથી આઉટ થઈ ગયા છે.આમ ગુરુવારની મેચમાં રિશભ પંત ભારતીય ટીમનો સુકાની રહેશે જ્યારે હાર્દિક પંડ્યાને ઉપસુકાની બનાવવામાં આવ્યો છે.

ભારતે આ સિરીઝમાં તેના કેટલાક સિનિયર અને સ્ટાર ખેલાડીને આરામ આપ્યો છે અને તેને બદલે યુવાન ખેલાડીઓને અજમાવવાનો નિર્ણય લીધો છે જેથી આગામી ટી20 વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમ સજ્જ કરી શકાય.માત્ર યુવાન જ નહીં પરંતુ અનુભવી ખેલાડીઓની પણ આ સિરીઝમાં કસોટી થનારી છે.તાજેતરમાં યોજાયેલી આઇપીએલમાં ભારતના કેટલાક યુવાન અને પ્રતિભાશાળી ખેલાડીઓએ શાનદાર દેખાવ કર્યો હતો અને હવે તેમણે દેશ માટે એવી જ રમત દાખવવાની છે.ભારતીય ટીમ ટી20 ક્રિકેટમાં સળંગ 12 મેચ જીતીને આવી છે અને તેણે આ વિજયકૂચ આગળ ધપાવવાની છે.ટી20માં સળંગ મેચ જીતવાનો રેકોર્ડ 13 મેચનો છે જે સર્જવાની ભારત પાસે તક રહેલી છે.

જોકે ભારતીય ટીમના ચીફ કોચ રાહુલ દ્રવિડે એવા સંકેત આપ્યા હતા કે અમારો ઇરાદો ઓક્ટોબરમાં યોજાનારા ટી20 વર્લ્ડ કપ માટે એ મજબૂત દળ ઉભું કરવાનો રહેશે.ભારત માટે ટીમ સજ્જ કરવા આથી વધુ સારો હરીફ મળી શકે તેમ નથી કેમ કે સાઉથ આફ્રિકા એક અત્યંત મજબૂત ટીમ છે અને તેની પાસે એકથી એક ચડિયાતા ખેલાડીઓ રહેલા છે.

Share Now