સુરત : અઠવાલાઇન્સ સ્થિત નવી કોર્ટ બિલ્ડીંગમાં ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતી કોર્ટના સુપ્રિટેન્ડન્ટના ડુપ્લીકેટ સહી-સિક્કા સાથે આઇડીએફસી ફર્સ્ટ બેંકના લોન ધારકના નામે લોક અદાલતની બોગસ નોટીસ ઇસ્યૂ કરવામાં આવી હોવાની ગંભીર બાબતની ફરીયાદ ઉમરા પોલીસમાં નોંધાય છે.અઠવાલાઇન્સ સ્થિત નવી કોર્ટ બિલ્ડીંગના પાંચમા માળે રૂમ નં.524 માં ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતી કોર્ટના સુપ્રીટેન્ડન્ટ જીગીશા નિલેશ જીનવાલા(ઉ.વ. 49 રહે.એ/2 સમરત પાર્ક એપાર્ટમેન્ટ,અયોધ્યા નગરી નજીક,હનીપાર્ક,અડાજણ)પાસે 4 જૂનના રોજ ધર્મેશ ઘુસાભાઇ વડોદરીયા નામનો વ્યક્તિ આવ્યો હતો.ધર્મેશે પોતાના મોબાઇલમાં લોકઅદાલત ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતી,સુરતના ટાઇટલ અને લોકઅદાલતનું સ્થળ કોર્ટ બિલ્ડીંગ થર્ડ ફ્લોર અને તા.4 જૂન 2022 અને સુપ્રિટેન્ડન્ટ ચોર્યાસી તાલુકા કાનૂની સેવા સમિતીનો સિક્કો તથા સુપ્રિટેન્ડન્ટની સહી બતાવી હતી.જેમાં અરજદાર તરીકે આઇડીએફસી ફર્સ્ટ બેંક અને સામાવાળા તરીકે ધર્મેશનું નામ અને લોક અદાલતની તા.4 જૂનનો ઉલ્લેખ હતો.
સુપ્રિટેન્ડન્ટમાં પોતાના જેવી સહી અને લોક અદાલત તા.26 જૂને હોવા છતા નોટીસમાં તા.4 જૂન હોવાથી જીગીશાબેને પ્રિન્સીપલ સિનીયર સિવીલ જજને જાણ કરવાની સાથે બેંકના એડવોકેટને બોલાવ્યા હતા.ત્યાર બાદ સુપ્રિટેન્ડન્ટ જીગીશા જીનવાલા બેંકની રીકવરી એજન્સી પાર્થ ફાઇનાન્સીયલ સર્વિસીસના હેડ જતીન ભગુભાઇ પટેલ(રહે.સી/8,સોમનાથ મહાદેવ સોસાયટી,પાર્લેપોઇન્ટ,અઠવાલાઇન્સ)ફરીયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવાની સાથે તેની ઓફિસ ખાતે સર્ચ શરૂ કર્યુ છે.