મુંબઈમાં હવે મલેરિયા- ડેંગ્યૂનું નવું ટેન્શનઃ 20 હજાર ઠેકાણે મચ્છરો મળ્યા

120

મુંબઈ : મુંબઈમાં હજી કોરોનાનો ઉપદ્રવ પૂરેપૂરો નાબૂદ નથી થયો ત્યાં મલેરિયા અને ડેંગ્યૂની બીમારીનું નવું ટેન્શન ઉભું થયું છે.મુંબઈ મહાપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી હાથ ધરવામાં આવેલી તપાસ દરમ્યાન શહેર અને પરાંમાં ૨૦ હજાર ઠેકાણે મલેરિયા અને ડેંગ્યૂ ફેલાવતા મચ્છરો મળી આવ્યા હતાં.મલેરિયા અને ડેંગ્યૂની બીમારી ફેલાતી અટકાવવા માટે પાલિકાના આરોગ્ય ખાતાએ લગભગ ૪૬ લાખ જગ્યાની તપાસ કરી હતી.તપાસ દરમ્યાન ૧૮ હજાર જગ્યાએ ડેંગ્યૂ ફેલાવતા એડીસ મચ્છરો મળ્યા હતા અને ૨,૨૧૪ ઠેકાણે મલેરિયા ફેલાવતા એનોફિલીસ મચ્છર મળ્યા હતા.

મલેરિયાના મચ્છરો સ્વચ્છ પાણીમાં થતા હોવાથી પાલિકાએ મુંબઈગરાને ઘરની અંદર પાણી ભરી ન રાખવાની તાકીદ કરી છે.આ સાથે જ બીમારી ફેલાવતા મચ્છરોના ઉત્પત્તી સ્થાનો શોધી ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.ચોમાસુ બેસવાની તૈયારી હોવાથી વરસાદનું પાણી ભરાયેલું ન રહે તેની ખાસ તકેદારી રાખવાનું જણાવાયું છે. કીટનાશક વિભાગના વડા રાજન નારિંગ્રેકરે આપેલી માહિતી મુજબ ઘરમાં અથવા કમ્પાઉન્ડમાં ક્યાંય વરસાદનું પાણી ભરાયેલું ન રહે તેનું ધ્યાન રાખવાની જરૃર છે.લોકોને તાકીદ કર્યા પછી પણ નિયમનો ભંગ કરશે તેને ૨૦૦૦ રૃપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. લોકો પોતાના તેમજ બીજાના આરોગ્યની રક્ષા માટે તકેદારી લે અને સ્વચ્છતા જાળવે એ જરૃરી છે.

Share Now