નવી દિલ્હી : તા.09 જૂન 2022,ગુરૂવાર : ભારત દ્વારા અફઘાનિસ્તાનને જે માનવીય મદદ કરવામાં આવે છે તેને પાકિસ્તાન તસ્કરી સહિતની અન્ય યુક્તિઓ અપનાવીને લૂંટી રહ્યું છે.જાણવા મળ્યા મુજબ એક વખત અફઘાનિસ્તાન પહોંચ્યા બાદ ઘઉં ભરેલા ટ્રક પાછા પાકિસ્તાન પહોંચી રહ્યા છે.અફઘાનિસ્તાનની દિગ્ગજ ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ગત 31મી મેના રોજ તાલિબાનના સુરક્ષા અધિકારીઓએ હેલમંડ પ્રાંત ખાતે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરીને પાકિસ્તાન જઈ રહેલા ઘઉં ભરેલા 50 ટ્રક અટકાવ્યા હતા.હેલમંડ પ્રાંતમાં તાલિબાનના સૂચના અને સંસ્કૃતિ નિયામક હાફિજ રશીદ હેલમંડીએ જણાવ્યું કે,30 મેના રોજ પણ હેરાત-કંધાર હાઈવે પરથી ઘઉં ભરેલા અન્ય ટ્રક ઝડપાયા હતા.ઘઉંનો તે જથ્થો હેલમંડ પ્રાંતના વાશિરની કંપનીના ટ્રકોમાં ભરેલો હતો.
ગત સપ્તાહે ભારતે અફઘાનિસ્તાનને મોકલવામાં આવતી માનવીય મદદના મોનિટરિંગ અને ડિલીવરી પ્રક્રિયા પર નજર રાખવા માટે અધિકારીઓની એક ટુકડીને કાબુલ મોકલી હતી.ભારતીય અધિકારીઓએ નવી દિલ્હીથી મોકલવામાં આવેલી મદદ અંગે તાલિબાની અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યું ત્યાર બાદ આ પ્રકારનો આ પ્રથમ પ્રવાસ હતો.અફઘાન સમાજના તમામ વર્ગોએ ભારતની વિકાસ અને માનવીય સહાયતાનું દિલ ખોલીને સ્વાગત કર્યું હતું.જાણવા મળ્યા મુજબ ભારતને પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી આ પ્રકારની લૂંટની ખબર હતી અને એટલે જ ભારતીય અધિકારીઓની ટીમ તાલિબાન સાથે વાર્તાલાપ માટે પહોંચી હતી.