નવી દિલ્હી : તા.૯ : જ્ઞાાનવાપી વિવાદ અંગે ટીવી ડિબેટમાં ભાજપનાં ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ પયગંબર મોહમ્મદ સાહેબ અંગે કરેલી અપમાનજનક ટીપ્પણીથી આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી.મોટાભાગના ઈસ્લામિક દેશોએ આ મુદ્દે ભારત સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે.આ વિરોધ શાંત કરવા કેન્દ્ર સરકારે ગુરુવારે કહ્યું કે,ટીવી ડિબેટોમાં થતા નિવેદનો,સોશિયલ મીડિયા પરની ટીપ્પણીઓ અને ટ્વીટ સાથે અમારે કોઈ નિસ્બત હોતી નથી.કોઈનો પણ ખાનગી મત સરકારનો હોતો નથી.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે જણાવ્યું હતું કે,અમે એ સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે કોઈની પણ ટ્વીટ અને કમેન્ટ ભારત સરકારના વિચાર દર્શાવતા નથી.આ બાબત અમારા બધા જ સરકારી પ્રવક્તાઓને જણાવી દેવાઈ છે.તેમણે ઉમેર્યું કે,વિવાદાસ્પદ ટીપ્પણી અને ટ્વી ટ કરનારા લોકો સામે સંબંધિત એજન્સીઓએ કાર્યવાહી કરી છે.
હકીકતમાં ઈરાને દાવો કર્યો હતો કે,તેમના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહીયને દિલ્હીમાં જ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથેની બેઠકમાં આ મુદ્દો ઉખેળ્યો હતો. એનએસએ દોભાલે બધા જ દોષિતો સામે આકરાં પગલાં લેવાની ખાતરી આપી છે.ઈરાને એવો પણ દાવો કર્યો હતો કે,અજિત દોભાલે સરકારી સ્તરે ખોટું કરનારાઓ સામે એવા આકરાં પગલાં ભરાશે,જે બીજા લોકો માટે બોધપાઠ તરીકે રજૂ થશે તેવી પણ ખાતરી આપી છે.જોકે,પાછળથી ઈરાનના વિદેશ મંત્રાલયે એસ.જયશંકર કે દોભાલ સાથે પયગંબર સાહેબના વિવાદ અંગે ચર્ચા થઈ હોવાનું વિદેશ મંત્રી અબ્દુલ્લાહીયનનું નિવેદન પાછું ખેંચ્યું હતું.અબ્દુલ્લાહીયને પીએમ મોદી અને એસ.જયશંકર સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક મુદ્દાઓ પર ચર્ચા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.
જોકે,વિદેશ મંત્રાલયે એસ.જયશંકર સાથે ઈરાનના વિદેશ મંત્રી અબ્દુલ્લાહીયનની બેઠકમાં પયગંબરના વિવાદ અંગે ચર્ચા થયાનો ઈરાનનો દાવો નકારી કાઢ્યો છે.બાગચીએ કહ્યું કે,બંને દેશના વિદેશ મંત્રીઓની બેઠકમાં અફઘાનિસ્તાન,યુક્રેન અને અન્ય પ્રાદેશિક તેમજ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.આ સાથે તેમણે વેપાર,લોકો વચ્ચે સંપર્ક સહિત દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી.