મુસેવાલા મર્ડર કેસ : આરોપી ‘ગોલ્ડી બ્રાર’ સામે રેડ કોર્નર નોટિસ જારી, કેનેડામાં ધરપકડ થવાની શક્યતા

139

– પંજાબ પોલીસે ઇન્ટરપોલને રેડ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી હતી
– નેતા વિકી મિદુખેરાની હત્યાનો બદલો લેવા માટે કરાઇ હતી ગાયકની હત્યા
– સતીન્દરજીત સિંહ 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો

પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યાના જવાબદાર સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર વિરુદ્ધ ઈન્ટરપોલે “રેડ કોર્નર નોટિસ” જારી કરી છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા મોકલવામાં આવેલી વિનંતીના આઠ દિવસની અંદર આ નોટિસ જારી કરવામાં આવી હતી.અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. બ્રાર હાલ કેનેડામાં રહે છે.અધિકારીઓએ જણાવ્યું કે, પંજાબ પોલીસે 30 મેના રોજ બે જૂના કેસમાં બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની માગ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, બ્રાર શ્રી મુક્તસર સાહિબનો રહેવાસી છે અને 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો.તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે.ગયા વર્ષે અકાલી દળના નેતા વિકી મિદુખેરાની હત્યાનો બદલો લેવા મુસેવાલાની હત્યા કરવામાં આવી હતી.

પંજાબ પોલીસે મંગળવારે કહ્યું કે, તેણે 27 વર્ષીય ગાયક અને કોંગ્રેસ નેતા સિદ્ધુની હત્યાના સંબંધમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે.સીબીઆઈએ પહેલા અહેવાલ આપ્યો હતો કે, પંજાબ પોલીસે ઇન્ટરપોલને 30 મેના રોજ બ્રાર સામે રેડ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી હતી,જ્યારે રાજ્ય પોલીસે દાવો કર્યો હતો કે, તેણે 19 મેના રોજ વિનંતી કરી હતી. મુસેવાલાની 29 મેના રોજ હત્યા કરવામાં આવી હતી.

કેન્દ્રીય એજન્સીએ કહ્યું કે, પ્રત્યાર્પણની વિનંતી મોકલવા માટે રેડ કોર્નર નોટિસ જારી કરવી જરૂરી નથી.રેડ કોર્નર નોટિસ ઇન્ટરપોલના 195 સભ્ય દેશોની કાયદા અમલીકરણ એજન્સીઓને ભાગેડુ ગુનેગારોને શોધી કાઢવા અને અટકાયતમાં લેવા માટે જાણ કરે છે જેની સભ્ય દેશોએ વિનંતી કરી હોય છે.સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એજન્સીએ 2 જૂને ઈન્ટરપોલને બ્રાર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવા વિનંતી કરી હતી.

Share Now